દિલ્હી-

દિલ્હીમાં કોરોનાના વધતા કેસોની વચ્ચે એમ્સમાં ૩૫ ડૉક્ટરો કોરોના પોઝિટિવ આવ્યા હોવાના સમાચાર છે. આ પહેલા દિલ્હીની જ સર ગંગારામ હૉસ્પિટલ માં ૩૭ ડૉક્ટર સંક્રમિત થઈ ગયા હતા. તેમાંથી પાંચને સારવાર માટે ભરતી કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે સંક્રમિત થયેલા તમામ ડૉક્ટર કોરોનાની વેક્સિનના ૨ ડોઝ લગાવી ચુક્યા હતા. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે સર ગંગારામ હૉસ્પિટલના ચેરમેન ડૉ. ડીએસ રાણાને મુલાકાત માટે બોલાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હીમાં ૭,૪૩૭ નવા કેસ સામે આવ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગંગારામ હૉસ્પિટલના ચેરમેન ડૉ. ડીએસ રાણાને મળવા માટે બોલાવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી હૉસ્પિટલ અને સ્વાસ્થ્ય કર્મચારીઓની સ્થિતિની માહિતી લેશે. કેજરીવાલ અને ડૉ. ડીએસ રાણાની વચ્ચે ૪ વાગ્યે આ બેઠક થશે. કોરોનાની ઝપટમાં હવે દિલ્હીમાં ડૉક્ટર પણ આવી રહ્યા છે, જેનાથી સરકારની ચિંતા વધી ગઈ છે. ૧૩૯ દિવસ બાદ દિલ્હીમાં એક દિવસમાં કેસની સંખ્યા ૭ હજારની પાર પહોંચી છે.

આ પહેલા ગત વર્ષે ૧૯ નવેમ્બરના દિલ્હીમાં એક દિવસમાં કોરોનાના ૭,૫૪૬ નવા દર્દીઓ મળી આવ્યા હતા. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર સંક્રમણ દર પણ ગત દિવસના ૬.૧ ટકાથી વધીને ૮.૧ ટકા થઈ ગયો છે, કેમકે છેલ્લા કેટલાક અઠવાડિયાથી કેસોમાં ઘણો જ વધારો થઈ રહ્યો છે. આ વર્ષે પહેલીવાર એક દિવસમાં દિલ્હીમાં ૭ હજારથી વધારે કેસો સામે આવ્યા છે. રસીકરણ એક માધ્યમ છે જેનાથી કોરોનાના કેસો રોકી શકાય છે, પરંતુ એવું નથી કે આ કોવિડની વિરુદ્ધ સંપૂર્ણ રીતે સુરક્ષિત કરી દે છે. નિર્દેશક રણદીપ ગુલેરિયા જણાવે છે કે, “વેક્સિન ઇમ્યૂનિટી વધારે છે, તમને સંક્રમણથી નથી બચાવતી. એફિકેસી ટ્રાયલના માપદંડ પર પણ વેક્સિન ૭૦-૮૦ ટકા જ ખરી ઉતરી હતી. આનો મતલબ છે કે ૨૦-૩૦ ટકા લોકો એવા પણ હશે જે વેક્સિન લીધા બાદ પણ ઘણા સુરક્ષિત નહીં થઈ શકે.” આવામાં માસ્ક અને બે ગજનું અંતર રાખવાનો નિયમ જ કોરોનાથી બચાવી શકે છે.”