વડોદરા, તા.૧૮ 

શહેરમાં કોરોનામાં મૃતકોનો વિસ્ફોટ આજે પણ જાેવા મળ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી વધુ ૧૫ દર્દીઓ મોતને ભેટયા હતા, જ્યારે ૭૮ નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાતાં પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૩૫૦૦થી વધુ ૩૫૨૫ પર પહોંચી હતી, જે સ્થાનિક આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. આજે ૧૦૨ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. તો બીજી તરફ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૭૩૬ દર્દીઓ પૈકી ૫૭૨ દર્દીઓની સ્થિતિ સુધારા પર તેમજ ૧૨૮ ઓક્સિજન પર, ૩૬ વેન્ટિલેટર ઉપર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું.

શહેરમાં કોરોનાના સંક્રમણ વચ્ચે દર્દીઓનો મૃત્યુનો સિલસિલો જારી રહ્યો છે. કારેલીબાગ આર્યકન્યા મહાવિદ્યાલય પાછળ આવેલ વિક્રમનગરમાં રહેતા અને આઈપીસીએલ પર્સનલ ડિપાર્ટમેન્ટમાં મેનેજરના હોદ્‌ા પરથી નિવૃત્ત થયેલા ૭૪ વર્ષીય વૃદ્ધ કોરોના સંક્રમિત થતાં તેમને ગોત્રી હોસ્પિટલમાં ગત સોમવારે દાખલ કરાતાં જ્યાં કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આજવા રોડ નવજીવન પાસે આવેલ જાદવ અમીશ્રદ્ધા ખાતે રહેતા અને જર્મન કંપનીમાં ટ્રેઝરી હેડ તરીકે ફરજ બજાવી ચૂકેલા ૬૫ વર્ષીય વૃદ્ધ કોરોના સંક્રમિત થયા બાદ ગત તા.૧૧મીએ ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતાં જ્યાં તેમનું સારવાર વેળા મોત થયું હતું. હરણી મેઈન રોડ સ્થિત મીરા સોસાયટીમાં રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધ કોરોનાની અસર હેઠળ આવતાં તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં, જ્યાં કોરોનાની સારવાર વેળા મોત નીપજ્યું હતું.

ન્યુ વીઆઈપી રોડ પર આવેલ વ્રજધામ સોસાયટીમાં રહેતા ૭૯ વર્ષીય મહિલા કોરોના સંક્રમિત થતાં તેમને કોવિડ-૧૯ની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાતાં, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી એ દરમિયાન મોડી રાત્રે મોત નીપજ્યું હતું. આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના કાસોર ગામે રહેતા ૮૨ વર્ષીય વૃદ્ધ કોરોના સંક્રમિત થતાં શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાતાં, જ્યાં સારવાર વેળા તબિયત ગંભીર થતાં મોડી રાત્રે મોત થયું હતું. વારસિયા સંજયનગરમાં રહેતી ૪૫ વર્ષીય મહિલા કોરોનાની અસર હેઠળ આવતાં તેણીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાતાં, જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હરણી રોડ સાંઈકૃપા સોસાયટીમાં રહેતા ૭૫ વર્ષીય વૃદ્ધ કોરોના સંક્રમિત થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાતાં જ્યાં સારવાર વેળા તેમનું મોત થયું હતું. ડભોઈ તાલુકાના છીપવાડ પાસે આવેલ ભુરા મહોલ્લામાં રહેતા પપ વર્ષીય દર્દી કોરોના સંક્રમિત થતાં તેમને સારવાર માટે શહેરની જેતલપુર રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતાં, જ્યાં સારવાર વેળા મોત થયું હતું.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના બરકતવાડમાં રહેતા ૮૦ વર્ષીય અને ૬૪ વર્ષીય બંને કોરોના સંક્રમિત થતાં તેઓને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં બંનેના સારવાર વેળા ગત મોડી રાત્રે મોત થયાં હતાં. ડભોઈના તાઈવાડા પોસ્ટ ઓફિસ પાસે રહેતા ૬૫ વર્ષીય કોરોના સંક્રમિત થતાં તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાતાં જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. દાહોદની જુમ્મા મસ્જિદ પાસે આવેલ મોટા ઘાંચીવાડમાં ૪૪ વર્ષીય યુવાનને ગત તા.૧૨મીના રોજ કોરોનાની સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાતાં, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ભરૂચના જંબુસર તાલુકાના ગજેરા ગામે રહેતા ૬૦ વર્ષીય મહિલા કોરોનાની અસર હેઠળ શહેરની કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ કરાતાં જ્યાં સારવાર દરમિયાન તબિયત વધુ લથડતાં મોત થયું હતું. ઉપરોક્ત મોતને ભેટેલાઓની અંતિમવિધિ કોરોનાની ગાઈડલાઈન મુજબ ખાસવાડી સ્મશાન અને કારેલીબાગના ખાતરિયા કબ્રસ્તાનમાં કરવામાં આવી હતી. 

શહેરના વધુ ૯૬ વિસ્તારોને રેડઝોનમાંથી ઓરેન્જ ઝોનામાં મુકાયા

પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વધુ ૯૬ વિસ્તારોને રેડઝોનમાંથી ઓરેન્જ ઝોન તરીકે જાહેર કર્યા છે. જાે કે, મહત્ત્વની વાત તો એ છે કે, ગતરોજ ફતેગંજના વાળા ટાવરમાં રહેતા વ્યક્તિનું કોરોનામાં મૃત્યુ થયુેં હતું તેમ છતાં આજે આ વિસ્તારને પણ રેડ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. જે વિસ્તારમાં કોરોનાના વધુ કેસ હોય છે તે વિસ્તારને પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રેડ ઝોન તરીકે જાહેર કરવામાં આવતા હોય છે તે બાદ કોરોના અસરગ્રસ્તોની સંખ્યા ઘટી જાય ત્યાર બાદ રેડ ઝોન વિસ્તારને ઓરેન્જ ઝોનમાં તબદીલ કરવામાં આવે છે. આજે પાલિકાએ ૯૬ વિસ્તારોને રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં મૂકયા છે.

કોરોના સંક્રમણમાં મંગળબજારના નામાંકિત વેપારી તથા તેમનો પરિવાર સપડાયો

વડોદરા શહેર કોરોના દિનપ્રતિદિન આક્રમક બની રહ્યો છે અને તેના સપાટામાં શહેરીજનો સપડાઈ રહ્યા છે તેવા સમયે શહેરના મંગળબજાર અને અલકાપુરી વિસ્તારમાં પડદાના કાપડના નામાંકિત વેપારી તથા તેમનો આખો પરિવાર કોરોનામાં સપડાયો છે. જેના પરિણામે મંગળબજારના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. એટલું જ નહીં, અન્ય વેપારીઓ કોરોના સંક્રમિત ન બને તેવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.