વડોદરા,તા.૨૪

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મિલકત વેરાનો ચાલુ વર્ષનો લક્ષ્યાંક પૂર્ણ થવાના આરે છે. રિવાઈઝ્‌ડ બજેટમાં મિલકત વેરાનો લક્ષ્યાંક વધારીને ૪૮૪.૫૭ કરોડનો કરવામાં આવ્યો છે, તેની સામે અત્યાર સુધીમાં આશરે ૪૮૩.૭૧ કરોડની આવક મળી ચૂકી છે. જ્યારે વેરા વસૂલાત ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં ૭૭૭૭ મિલકતોને સીલ કરવામાં આવી છે.

બજેટ લક્ષ્યાંકમાં મિલકત વેરાની આવક ૩૯૬.૧૧ કરોડ, પ્રોફેશનલ ટેક્સની ૫૬.૮૮ કરોડ, વિહિકલ ટેક્સની ૨૯.૨૭ કરોડ અને મીટર જાેડાણવાળા પાણી કનેક્શનની ૧.૪૫ કરોડની આવકનો સમાવેશ થાય છે. કોર્પોરેશન દ્વારા તા.૬ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૭૭૭૭ કોમર્શિયલ મિલકતો સીલ કરી છે. જેમાં કેટલીક બંધ મિલકતોનો પણ સમાવેશ થાય છે. કોર્પોરેશને અત્યાર સુધીમાં જે મિલકતો સીલ કરી છે તેમાંથી જે મિલકતનો વેરો ભરાઈ જાય છે, તેનું સીલ ખોલી નાખવામાં આવે છે. બુધવારે જ કોર્પોરેશને ૨૦૦ મિલકતો સીલ કરી હતી અને વસૂલાત ૨.૯૭ કરોડની હતી. હવે ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવા આડે બાકી રહેલા એક અઠવાડિયામાં લક્ષ્યાંક પૂર્ણ કરવા પ્રયાસ વધુ તેજ કરવામાં આવ્યા છે. રહેણાંક મિલકતનો વેરો બાકી હોય તો કોર્પોરેશન સીલ કરતું નથી. કોર્પોરેશને બાકી વેરાની વસૂલાત માટે પ્રોત્સાહક વેરા વળતર યોજના પણ અમલમાં મૂકી છે, જે ૩૧

માર્ચે પૂરી થશે.વેરા વળતરનો લાભ બાકી રહેલા દિવસોમાં લોકો લઇ શકે તે માટે કોર્પોરેશને રિબેટ માટેની નોટિસો છપાવી છે અને તે બાકીદારોને મોકલવામાં આવી છે. જેમાં બાકીદારોને રિબેટ યોજનાનો લાભ લઇ કેટલો વેરો ભરવાનો છે તે પણ કહેવાય છે. બાકી વેરો વસૂલ કરવા માટે કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં ૧૮ હજારથી પણ વધુ વોરંટ ઇસ્યુ કરાયા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૨-૨૩ ના બજેટમાં મિલકતવેરા આવકનો લક્ષ્યાંક વધારીને ૫૦૩ કરોડનો કરવામાં આવ્યો છે.