અમદાવાદ-

અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. જેમાં ભાજપે સપાટો બોલાવતાં કોંગ્રેસના સૂપડા સાફ થયાં છે. હવે ભાજપ દ્વારા શહેરના નવા મેયર માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે અમદાવાદના નવરંગપુરામાં ભાજપના જીતેલા ઉમેદવાર નિરવ કવિને લઈને વિવાદ ઉભો થયો છે. નવરંગપુરાના કોંગ્રેસના ઉમેદવાર જય પટેલ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી છે કે ભાજપની ટિકીટ પર શહેરના નવરંગપુરા વોર્ડમાંથી મુસ્લિમ ઉમેદવારે નામ બદલીને ચૂંટણી લડી છે અને જીતી ગયાં છે. ભાજપના ઉમેદવાર નિરવ કવિ હિન્દુ નહીં પણ મુસ્લિમ સમાજના છે. જેથી નિયમ પ્રમાણે તેમનું ફોર્મ રદ કરવામાં આવે. અરજદાર જય પટેલનું કહેવું છે કે અમદાવાદના વોર્ડ નંબર ૧૮મા કુલ ચાર કોર્પોરેટરોને ચૂંટાયેલા જાહેર કરવાના હતાં. જેમાં બે બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવી હતી. બાકીની બે પુરુષો માટેની બેઠકો હતી. અને બાકીની એક બેઠક સામાન્ય કેટેગરીમાં રાખેલ હતી.

આ રીતે વોર્ડ નં.૧૮માં કુલ ૧૧ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ હતી. જેમાં ભાજપના એક ઉમેદવારે ઉમેદવારી ફોર્મમાં કોર્ટ કેસની વિગત સોગંદનામામાં છુપાવેલ હતી. તો અન્ય ઉમેદવારે ઉમેદવારી ફોર્મમાં તેમનો ધર્મ જણાવ્યો નથી. તેઓ જન્મથી હિન્દુ જાતીના નથી પરંતુ મુસ્લિમ જાતીના છે. તેમની માતા ક્વિચ્શિયન જાતિના છે. ઉમેદવારના પિતાનું નામ સિકંદર મીર અને માતાનું નામ અમિતા સિકંદર છે. જેથી તેમનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવે. ભાજપના આ ઉમેદવારે ધર્મ પરિવર્તન કરવા માટે કાયદાકિય વિધિ કરવી પડે. પરંતુ તેમણે કરી નથી. વેજલપુર વોર્ડમાંથી ચૂંટણી હારેલા કોંગ્રેસી ઉમેદવાર મનીષાબહેન પટેલે સ્મોલ કોઝ કોર્ટમાં ઇલેક્શન પિટિશન કરી છે. તેમની રજૂઆત છે કે વેજલપુર વોર્ડમાં બે બેઠક મહિલા અનામત છે. જે પૈકીની એક બેઠક અનુસૂચિત જાતિની મહિલા માટે અનામત છે.

આ વોર્ડમાં ભાજપના ચાર, કોંગ્રેસના ચાર અને એક બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારે ચૂંટણી લડી હતી. તમામ ઉમેદવારોમાં સૌથી વધુ મત ભાજપના કલ્પનાબહેન ચાવડાને મળ્યા હતા અને તેમને અનુસૂચિત જાતિના મહિલા ઉમેદવાર તરીકે વિજેતા જાહેર કરાયા હતા. ચૂંટણીના નિયમ મુજબ જાે કોઇ અનામત વર્ગના ઉમેદવારને સૌથી વધુ મત મળે તો તેને જનરલ કેટેગરીના ઉમેદવાર તરીકે વિજેતા જાહેર કરવાનો હોય છે. જાે કે ચૂંટણી અધિકારી દ્વારા આવું કરાયું નહોતું. તેથી કલ્પનાબહેન ચાવડાને જનરલ કેટેગરીના વિજેતા બનાવી અરજદારને અનુસૂચિત જાતિના મહિલા ઉમેદવાર તરીકે વિજેતા જાહેર કરવા જાેઇએ.