દિલ્હી-

શુક્રવારે સાંજે રાજધાનીના અબ્દુલ કલામ રોડના જીંદલહાઉસ  પાસેના ઈઝરાયેલી દૂતાવાસ પાસે ઓછી તિવ્રતા ધરાવતા આઈઈડી બ્લાસ્ટ બાબતે દિલ્હી પોલીસે એવી શંકા વ્યક્ત કરી છે કે, આ કોઈ મોટા હુમલાનું કાવતરું હોઈ શકે અને તેને પગલે સતર્ક રહેવું જરૂરી છે. આ વિસ્ફોટ બાદ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ એલર્ટ જાહેર કરાયો છે. શુક્રવારથી જ દેશના મોટાભાગના હવાઈમથકો પર એલર્ટ જાહેર કરી દેવાયો હતો.

ભારત અને ઈઝરાયેલ એમ બંને દેશોએ એકબીજા સાથે રાજદ્વારી સંબંધો બાંધ્યાના દિવસની એટલે કે 29મી જાન્યુઆરી, 1992ની વરસીના દિવસે જ આવો વિસ્ફોટ કરવા પાછળ કોઈક આતંકવાદી મકસદ હોઈ શકે એવી શંકા ઈઝરાયેલે પણ સેવી હતી અને દિલ્હી પોલીસ તેમજ કેન્દ્ર સરકારની એજન્સીઓ એ દિશામાં તપાસ કરી રહી છે. હવે જ્યારે ઈઝરાયેલ પણ આ હુમલાને આતંકવાદી ધમકી તરીકે જોઈ રહ્યું છે, ત્યારે દિલ્હી સરકારે પણ આ સમગ્ર તપાસ પોતાની આતંકવાદ વિરોધી શાખાને સોંપવાનો નિર્ણય કર્યો છે. વિસ્ફોટક સામગ્રી રાખવા બાબતનો કેસ દાખલ કરીને પોલીસે તપાસ આગળ વધારી છે અને વિશ્વભરમાં જાસૂસીક્ષેત્રે મોટું નામ ધરાવતી ઈઝરાયેલની મોસાદ એજન્સી ભારતીય એજન્સીઓનો સાથ આપવાની છે. 

પ્રારંભિક તપાસમાં પ્લાસ્ટીક કે પોલીથીનમાં એમોનિયમ નાઈટ્રેટ ભરીને બોંબ બનાવાયો હોવાનું તારણ મળ્યું હતું, છતાં સીસીટીવી ફૂટેજની તપાસ કરીને અપરાધીઓને ઝબ્બે કરવા પ્રયાસ ચાલુ છે. વિસ્ફોટને પગલે પોલીસે છેલ્લા બે દિવસના સીસીટીવી ફૂટેજ અને રાજધાનીની આ સ્થળની આસપાસની કેટલીક હોટલોની વિગતની પણ તપાસ ચાલુ કરી દીધી છે.