આણંદ-

આણંદ શહેર સહિત સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઊજવણી જાેરશોરથી કરવામાં આવી રહી હતી ત્યારે મહિલા દિવસે જ આણંદ જિલ્લામાં સવારે કઠણ કાળજાના માનવીને પણ કંપાવી દે તેવી એક ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં સગા મા-બાપે પોતાની ૧૩ વર્ષીય પુત્રીને સુરતથી ટ્રકમાં બેસાડી અને તેને આણંદ સુધી સાથે લાવીને ધર્મજ પાસે ટ્રકમાંથી નીચે ઉતારી ભાગી ગયા હતા. સમગ્ર ઘટના અંગેની જાણ ૧૮૧ની ટીમને થતાં જ તેમણે તુરંત જ બાળકીનો કબ્જાે મેળવી સલામત તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલી આપી હતી.

આ અંગે વાત કરતાં અભયમ ટીમના કાઉન્સિલેર કૈલાશબેને જણાવ્યું હતું કે, શ્રમજીવી પરિવારની ૧૩ વર્ષીય બાળકી ધર્મજ પાસે રડતાં-રડતાં જઈ રહી હોવાની માહિતી અમને ત્રાહિત વ્યક્તિના કોલ દ્વારા મળી હતી. જેને પગલે અમે તુરંત જ ધર્મજ ચોકડી પાસે પહોંચ્યા હતા. એ સમયે બાળકી ખૂબ રડતી હતી. તેની પ્રાથમિક પૂછપરછ કરતાં તેણીએ જણાવ્યું હતું કે, તે મૂળ સુરતની છે અને અહીં આણંદના ભાદરણમાં તેઓ વર્ષો અગાઉ રહેતા હતા. રવિવારે રાત્રિના તેના મા-બાપે આણંદ જવાનું કહીને તેમની સાથે તેને ટ્રકમાં બેસાડી હતી. દરમિયાન માતા-પિતા તેણીને આણંદ લઈ આવ્યા હતા.

બાદમાં ધર્મજ આવતાં જ તેમણે તેણીને નીચે ઉતારી દીધી હતી. કિશોરી જેવી નીચે ઉતરી કે તુરંત જ ટ્રકમાં બેઠેલા મા-બાપ તેને તે જ હાલતમાં મૂકી ફરાર થઈ ગયા હતા. બાળકી એ પછી સીધા જતા રોડ પર ચાલવા લાગી હતી.હાલમાં બાળકીને સલામત રીતે સખી વન સ્ટોપ સેન્ટરમાં મૂકવામાં આવી છે. તેનું સતત કાઉન્સેલિંગ કરાઈ રહ્યું છે. બીજી તરફ પોલીસના માધ્યમ થકી તેના મા-બાપના સઘડ મેળવી તેની પૂછપરછ કરી પછીથી બાળકીનો કબ્જાે સોંપવામાં આવશે.