વડોદરા, તા.૨૭

વડોદરા શહેર નજીક નંદેસરી ચોકડીથી વાસદ પાસે નવા બંધાતા ઓવરબ્રિજ નજીક બાઈકસવાર પિતા-પુત્રને ટ્રકે અડફેટે લીધા હતા. બાઈકસવાર પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યાં હતાં. ટ્રકના ટાયર ફરી વળતાં ૧૬ વર્ષીય પુત્રના બંને પગ કપાઈ ગયા હતા, જ્યારે પિતાના માથાના ભાગે ટાયર ફરી વળતાં માથું છુંદાઈ ગયું હતું. બાઈકસવાર પિતા-પુત્ર વાસદ તરફ જઈ રહ્યા હતા. રાયકા ગામના પિતા-પુત્રના એકસાથે મોત થતાં પરિવારમાં માતમ છવાયો હતો અને નાનકડા ગામમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. પોલીસે ટ્રકચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા તાલુકાના રાયકા ગામે રહેતા નરેન્દ્રભાઈ રમણભાઈ સિંધા (ઉં.વ.૩૫)ને બે વર્ષ અગાઉ રોઝ સાથે અકસ્માત થતાં તેમના હાથે ફ્રેકચર થયું હતું અને તેમની સારવાર વાસદના દવાખાનામાં ચાલતી હતી. સમગ્ર રાજ્યમાં પડી રહેલ કાતિલ ઠંડીના કારણે તેમના હાથે અસહ્ય દુઃખાવો થતાં તેઓ બાઈક લઈને હાથના દુઃખાવાની દવા લેવા માટે વાસદ જતા હતા, તે વખતે ધો.૧૦માં અભ્યાસ કરતો પુત્ર અરુણને પણ સાથે લઈ ગયા હતા. રાયકાથી વાસદ જતા હતા ત્યારે તેઓ નંદેસરી ચોકડી નવા બંધાતા ઓવરબ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામાન ભરેલ પસાર થતી ટ્રકચાલકે બાઈકને અડફેટમાં લીધી હતી, જેથી બંને પિતા-પુત્ર ચાલુ બાઈક પરથી રોડ પર પટકાતાં ટ્રકનાં પૈડાં બંને ઉપર ફરી વળ્યાં હતાં. જેમાં પિતા નરેન્દ્રભાઈનું માથું છુંદાઈ ગયું હતું, જ્યારે પુત્ર અરુણના બંને પગ કપાઈ ગયા હતા. આ અકસ્માતને પગલે અન્ય વાહનચાલકો પણ રોકાઈ ગયા હતા અને મદદે દોડી આવ્યા હતા. પરંતુ બંને પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. અકસ્માતના બનાવની જાણ નરેન્દ્રભાઈના પિતા રમણભાઈ સિંધાને કરવામાં આવતાં તેઓ તેમજ મહોલ્લાના અનેક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને નંદેસરી પોલીસ મથકને આ બનાવની જાણ કરી હતી. પોલીસ આવે એ પહેલાં જ ટ્રકચાલક ફરાર થાય એ પહેલાં જ લોકોએ પકડી લીધો હતો.