દેવગઢબારિયા, અપહરણ કરી લઈ જવામાં આવેલ છોકરીના નિકાલના મામલે ગરબાડા તાલુકાના ભે ગામે રહેતા છોકરી પક્ષના ૧૭ જેટલા ઈસમોએ લાકડી તીર કામઠા તેમજ ગોફણ જેવા મારક હથિયારો સાથે ગરબાડા તાલુકાના નળવાઇ ગામ એ છોકરા પક્ષના ઘરે આવી લાકડીઓનો માર મારી એક મહિલા સહિત ત્રણને ઈજા કરી બે ઘરોમાં ઘૂસી તોડફોડ કરી તથા અન્ય એક ઘરને આગ ચાંપી સળગાવી દઈ નુકસાન પહોંચાડ્યાનું જાણવા મળ્યું છે.  

પ્રાપ્ત વિગત અનુસાર ગરબાડા તાલુકાના ભે ગામના ગાળા ફળિયામાં રહેતા ભુરીયા કુટુંબના બાબુભાઈ અગન ભાઈ માનસિંગભાઈ ગલાભાઈ હેમચંદ ભાઈ ભલુભાઈ ભલાભાઇ પારસીંગભાઈ પ્રતાપભાઈ ગલાભાઈ જેસીંગભાઇ અગનભાઈ તથા ફળિયાના અન્ય ૧૦ જેટલા ઈસમોએ ગતરોજ બપોરના સમયે ગરબાડા તાલુકાના નળવાઇ ગામએ રહેતા શકરાભાઈ ચુનીયા ભાઈ સંગાડાને સાથે લઈ ચતુરભાઈ ઉર્ફે કાળુભાઈ ખીમાભાઈ માવી તથા તેમના સગાઓના ઘરે મારક હથિયારો સાથે કિકિયારીઓ કરતા આવી બૂમાબૂમ કરી અમારી છોકરી દક્ષાનો નિકાલ કેમ કરતા નથી તેમ કહી બેફામ ગાળો બોલતા ચતુરભાઈએ તેઓને છોકરો છોકરી મળી જશે તો તમને સોંપી દઈશું તેમ કહેતા ઉશ્કેરાયેલા ઉપરોક્ત ૧૭ જણાના ટોળાએ કલ્પેશભાઈ ને લાકડીઓ નો માર મારી બીજા કરી તથા કલ્પેશભાઈને છોડાવવા વચ્ચે પડેલ ચતુરભાઈ માવી તથા સુરતીબેનને પણ માર મારી ઇજાઓ પહોંચાડી મગનભાઈ ધુળાભાઈનું ઘર સળગાવી દઈ તથા ચતુરભાઈ માવી તેમજ જવસિંગ ભાઈ છગનભાઈના ઘરમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતુ.