વડોદરા, તા.૨૬ 

શહેર નજીક આવેલ કેલનપુર ગામના તળાવમાં ત્રણ મહાકાય મગર આવી જતાં ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ અંગેની જાણ કરાતાં વાઈલ્ડલાઈફ રેસ્કયૂ ટ્રસ્ટના કાર્યકરો, વન વિભાગની ટીમ સાંજે પહોંચી જઈને પાંજરું ગોઠવ્યું હતું, જ્યાં આજે સવારે ૮.પ ફૂટનો મગર પાંજરે પુરાતાં વડોદરા વન વિભાગની કચેરીએ લાવવામાં આવ્યો હતો. જ્યારે બીજા બે મગર પકડવા માટે ફરી પાંજરું મૂકવામાં આવ્યું હતું.

વાઈલ્ડલાઈફ રેસ્કયૂ ટ્રસ્ટના અરવિંદ પવારને ગુરુવારે કેલનપુરના સરપંચનો ફોન આવ્યો હતો કે, ગામના ખેતર પાસેના તળાવમાં ત્રણ મોટા મગરો આવી ગયા છે અને તળાવમાંથી નીકળીને ઘરના વાડામાં અને ખેતરોમાં આવી જાય છે, જેથી ખેતરમાં પણ જઈ શકતા નથી. આ અંગેનો ફોન આવતાં જ વાઈલ્ડલાઈફ રેસ્કયૂ ટ્રસ્ટના યુવરાજસિંહ અને વન વિભાગના શૈલેષ રાવલ સ્થળ પર પહોંચી ગયા હતા અને પાંજરું ગોઠવ્યું હતું.

આજે સવારે ૮.પ ફૂટનો મહાકાય મગર પાંજરે પુરાતાં મગરને રેસ્કયૂ કરીને વન વિભાગની કચેરીએ લાવવામાં આવ્યો હતો. જ્યારે બીજા બે મગર પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આ મહાકાય મગર પાંજરે પુરાતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.