સુરત-

સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદી વિરૂધ્ધમાં ટીપ્પણી કરનાર સુરતના આરોપીને સાઇબર ક્રાઈમ સેલના અધિકારીઓએ ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે. વડાપ્રધાન મોદીના પદ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઇરાદે બનાવટી ઇલેક્ટ્રોનીક રેકર્ડ બનાવી ફોટો પોસ્ટ કરાયો હતો. આ સાથે ભાજપ વિરૂધ્ધમાં અભદ્ર (નાલાયક ગાળ) શબ્દનો ઉપયોગ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આરોપી અરવિંદ ઉર્ફે એ. કે. પટેલ વઘાસીયાની પોલીસે અટક કરી તપાસ શરૂ કરી છે.

સાઇબર સેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે અરવિંદ ઉર્ફે એ. કે. પટેલ કાનજીભાઇ વઘાસીયા (ઉ.વ.૩૨, રહે. ધંધો-હીરાની મજૂરી રહે. મકાન નં.૨૯, ત્રીજા માળે, ઉદય સોસાયટી વિભાગ-૨ હરીઓમ સોસાયટીની પાસે, ધનમોરા સર્કલ, કતારગામ) એ ગત ૭ માર્ચથી ૧૯ માર્ચ અને ૨૩ માર્ચના રોજ એ કે પટેલ નામના સોશિયલ મીડિયા એકાઉન્ટના ચાલકે તેના એકાઉન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પદ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઇરાદે બનાવટી ઇલેક્ટ્રોનીક રેકર્ડ બનાવ્યા હતા. આ સાથે તે ફોટો પોસ્ટ કરી ભાજપ વિરૂધ્ધમાં અભદ્ર શબ્દ (નાલાયક ગાળ) નો ઉપયોગ કરી પોસ્ટ વાઇરલ કરી હતી.

સરકાર તરફે સાયબર ક્રાઇમમાં કલમ-૪૬૯, ૫૦૪, ૫૦૦ મુજબનો ગુનો દાખલ કરાયો હતો. જેમાં સંડોવાયેલ આરોપી અરવિંદ ઉર્ફે એ.કે. પટેલ કાનજીભાઇ વઘાસીયાની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ રહી છે. સુરત શહેર સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયા ઉપર સતત વોચ રાખવામાં આવતી હોય છે. જે આવા મેસેજ બનાવશે તથા આવા મેસેજ ખરાઇ કર્યા વગર સોશિયલ મીડીયા ઉપર ફોરવર્ડ કરશે તેઓ વિરૂધ્ધ સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એવો સંદેશો પણ આપવામાં આવ્યો છે.