વડોદરા : પંડ્યા બ્રિજ પાસે સ્કૂટર પર થેલામાં વિદેશી દારૂનો જથ્થો લઈ ડિલિવરી કરવા નીકળેલા બુટલેગરને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. સ્કૂટીની ડેકીમાં તપાસ કરાતાં પિસ્તોલ મળી આવી હતી. ફતેગંજ પોલીસે રૂપિયા ૩૮,૪૧૫ ની કિંમતના દારૂની ૨૮ બોટલો, રૂપિયા ૧૦ હજારની કિંમતની પિસ્તોલ , સ્કૂટી, તથા મોબાઈલ ફોન સહિત કુલ ૬૯,૪૧૫ની મત્તા કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાની ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, એક ઈસમ કાળા કલરની સ્કૂટી ઉપર વિદેશી દારૂ લાવી ગ્રાહકોને વેચાણ કરે છે, અને હોમ ડિલિવરી આપે છે. હાલમાં તે થેલામાં દારૂ ભરી ડિલિવરી માટે છાણી જકાતનાકાથી પંડ્યા બ્રિજ તરફ જવાનો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમી મુજબની ગાડી ત્યાંથી પસાર થતા તેને અટકાવી હતી. ચાલકની પૂછતાછ કરતા ચાલકે પોતાનું નામ શંકર જાદવ(રહે. એલ.કે નગર, સયાજીગંજ) હોવાનું જણાવ્યું હતું. તેની પાસે રહેલા થેલામાંથી વિદેશી દારૂની ૨૮ બોટલો મળી આવી હતી. સ્કૂટીની ડીકી ચેક કરતા રૂમાલમાં ઢાંકેલી દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે ૩૮૪૧૫ ની કિંમતનો દારૂનો જથ્થો, ૧૦ હજારની કિંમત ધરાવતી પિસ્તોલ, સ્કૂટી, તથા મોબાઈલ ફોન સહિત ૬૯,૪૧૫ રૂપિયાની મત્તા કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી આ પિસ્તોલ કોની પાસેથી લાવ્યો તેમજ કયા કારણોસર તે પોતાની પાસે રાખી હતી તે અંગે ફતેગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં કોરોના મહામારીને પગલે આરોપીને સૌપ્રથમ કોરોના ટેસ્ટ માટે ખસેડવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ તેની ધરપકડ થશે.