દાહોદ, તા.૪ 

છેલ્લા પાંચ માસથી ભારત તેમજ વિશ્વભરમાં કોરોનાની મહામારી માં જનતા ત્રસ્ત થઇ રહી છે તેમજ મોટા સામાન્ય જન-જન આ બીમારીની ઝપટમાં આવી ગયા છે, આ બીમારીથી લોકો એટલા બધા ડરી ગયેલ છે કે માણસ માણસને મળવાનું ટાળી રહ્યા છે. આવા સમયે દેશની તેમજ કોરોનાની બીમારીમાં સપડાતા દર્દીની રક્ષા ડોક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, ખડે પગે કરી રહ્યા છે. તેમજ ડર્યા વગર પોતાની જાતને જોખમમાં મૂકીને સેવા અને રક્ષા કરી પોતાની ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આવા દાહોદ જિલ્લાના કોરોનાવોરિયર્સ માટે સાંસદ જશવંતસિંહજી ભાભોરે ભાવવાહી પત્ર લખી ૨૩૦૦ જેટલી રાખડીઓ મોકલી તેમની રક્ષા માટે પરમાત્માને પ્રાર્થના કરી છે.

તેમને પોતાના પત્રમાં જણાવ્યું છે કે “ કોરોના દર્દીઓને આ બીમારીમાંથી મુક્તિ અપાવવા માટે આપ સૌ આપની જાતની કે આપના પરીવારની પરવા કર્યા વગર આ વિનાશક મહામારી ની સામે અખંડ યોદ્ધાની જેમ ઝઝૂમી રહ્યા છો ત્યારે આપની રક્ષા માટે રક્ષાબંધનના દિવસે હું પ્રાર્થના કરી આપસૌ માટે આ રાખડીઓ મોકલું છું, તેમજ આપસૌનું કૃતજ્ઞતાપૂર્વક અભિવાદન કરું છું.”

કોરોનાવોરિયર્સની રક્ષા માટે આ પ્રકારનો નવતર પ્રયોગ સાંસદ જશવંતસિંહજી ભાભોર દ્વારા થતા કોરોના યોદ્ધાઓ માં અનેરો ઉત્સાહનો સંચાર થયો છે.