વડોદરા : રાજકોટમાં બનેલી આગની ઘટના બાદ રાજ્યભરના શહેરોની ઇમારતો આગના બનાવો દરમ્યાન ઇમર્જન્સી માટે કેટલી સુસજ્જ છે? તે અંગેના સવાલો ઉભા થયા છે. ત્યારે, હાઇકોર્ટમાં થયેલી એક પિટિશન અંતર્ગત રાજ્યના શહેરી વિકાસ વિભાગે વડોદરા શહેરમાં કેટલી ઇમારતો પાસે ફાયર એનઓસી છે? તે અંગેની વિગતો મંગાવવામાં આવતા પાલિકાએ અધ્ધરતાલ આંકડાઓ રજૂ કર્યા હતા. જેની જાણ થતા શહેરી વિકાસ વિભાગે પાલિકાના અધિકારીઓનો ઉધડો લીધો હતો. આગામી ૧૪ ડિસેમ્બરના રોજ આ પિટિશન માટે હાઇકોર્ટમાં સુનવણી હોવાથી પાલિકાને તાત્કાલિક સાચા આંકડા રજૂ કરવા તાકીદ કરી હતી. જેના કારણે સફાળા જાગેલા પાલિકાના સત્તાધીશોએ ફાયર એનઓસી રિન્યુ ન કરાવનાર શહેરની ૫૨૯ અને ક્યારેય ફાયર એનઓસી ન મેળવી હોય તેવી ૧૦૫ બિલ્ડીંગોને નોટિસ ફટકારીને તાત્કાલિક  

ફાયર એનઓસી મેળવવા સૂચના આપી હતી.

નિયમ પ્રમાણે, રેસિડેન્શિયલ, નોન રેસિડેન્શિયલ તેમજ કોમર્શિયલ બિલ્ડીંગો શરુ કરતા અગાઉ તેઓએ ફાયર એનઓસી મેળવવી ફરજીયાત છે. પરંતુ પાલિકાના અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગની ઉદાસીનતાને કારણે શહેરમાં સેંકડો બાંધકામ ફાયર એનઓસી વગર ધમધમી રહ્યા છે. જ્યારે પણ રાજ્યમાં આગની કોઈ મોટી હોનારત સર્જાય, ત્યારે જ સરકારને ઇમારતોમાં ફાયર સેફટી અને ફાયર એનઓસી યાદ આવતી હોય છે. એવી જ રીતે તાજેતરમાં રાજકોટ ખાતે કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગના બનાવમાં ૬ દર્દીઓ મોતને ભેટયા બાદ હાઇકોર્ટમાં એક પિટિશન કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્યના શહેરી વિકાસ વિભાગે તમામ શહેરોની પાલિકાને પોતપોતાના વિસ્તારોમાં આવેલી ઇમારતો પૈકી કેટલી ઇમારતો પાસે ફાયર એનઓસી છે? તે અંગેની માહિતી માંગી હતી. જેના જવાબમાં વડોદરા મહાનગર પાલિકાના અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગે હવામાં ગોળીબાર કરીને ધુપ્પલ આંકડાઓ રજુ કર્યા હતા. જેની નોંધ થતા પાલિકાના અધિકારીઓને ગાંધીનગરનું તેડું આવ્યું હતું.

જ્યાં શહેરી વિકાસ વિભાગના અધિકારીઓએ હાલના ચીફ ફાયર ઓફિસર સહીત પાલિકાના અધિકારીઓનો ઉધડો લીધો હતો અને આગામી ૧૪ ડિસેમ્બરના રોજ પિટિશન અંગે હાઇકોર્ટમાં વધુ સુનાવણી હોવાથી પુનઃ કામગીરી કરી રિપોર્ટ જમા કરાવવા માટે તાકીદ કરી હતી.

ગાંધીનગરથી રેલો આવતા સફાળા જાગેલા પાલિકાના અધિકારીઓએ આજે સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર એનઓસી ચકાસવાની કામગીરી શરુ કરી હતી. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી એક જ દિવસમાં ફાયર એનઓસી રિન્યુ ન કરાવનાર ૫૨૯ અને ક્યારેય ફાયર એનઓસી ન મેળવી હોય એવી ૧૦૫ ઇમારતોને નોટિસ ફટકારીને તાત્કાલિક ધોરણે ફાયર એનઓસી મેળવવા સૂચના આપી છે. જાેકે, ચોંકાવનારી બાબત એ છે કે, આ અગાઉ પણ ફાયર વિભાગ દ્વારા સંખ્યાબંધ વખત ફાયર એનઓસીને લઈને ચેકીંગ હાથ ધરવામાં આવ્યા છે, તેમ છતાં પણ નોટિસો આપ્યા બાદ કોઈ ગંભીર પગલાં ન લેવાતા હોવાથી જ દર વખતે ચેકીંગ દરમ્યાન મોટી સંખ્યામાં ફાયર એનઓસી વગર ધમધમતી ઇમારતો મળી આવતી હોય છે.

ઇમારતને વીજ જાેડાણ આપતાં અગાઉ ફાયર એનઓસી પણ ફરજિયાત હોવી જાેઈએ

કોઈપણ નવીન બાંધકામની રજાચિઠ્ઠી અને કમ્પ્લીશન સર્ટિફિકેટ રજુ કર્યા બાદ જ તેઓને વીજ પુરવઠો તેમજ પાણીનું કનેક્શન આપવામાં આવતું હોય છે. તેવી જ રીતે રજાચિઠ્ઠી અને કમ્પ્લીશન સર્ટિફિકેટની સાથે સાથે જાે ફાયર એનઓસી પણ ફરજીયાત રજુ કરવાની જાેગવાઈ કરવામાં આવે તો પાલિકા પાસે શરૂઆતથી જ ડેટાબેઝ તૈયાર થઇ જાય અને વારંવાર અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગે ચેકીંગ કરવાના ધક્કાઓમાંથી મુક્તિ મળે તેમ છે.