અરવલ્લી,તા.૩૧ 

અરવલ્લી જિલ્લામાં અનલોક-૨માં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. મોડાસા શહેરના ડીપ વિસ્તારમાંથી પૂરપાટ પસાર થઇ રહેલી એસટી બસે પાછળથી કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કોઇ મોટી જાનહાની થઇ ન હતી. પરંતુ અકસ્માતના પગલે શહેરના મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ટ્રાફિકજામથી મોડાસા-શામળાજી માર્ગ પર વાહનોની લાંબી કતાર લાગી ગઇ હતી. જેના કારણે વાહનચાલકોની હાલત કફોડી બની ગઇ હતી. ટ્રાફિક જામના પગલે ટ્રાફિક પોલીસે દોડી આવી વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવતા વાહનચાલકો અને રાહદારીઓએ હાશકારો અનુભવ્યો હતો.