અરવલ્લી, તા.૫ 

માલપુર તાલુકાના માલજીના પહાડીયા ગામનો ક્રિશ હસમુખભાઈ પટેલ (ઉં.વર્ષ-૧૦) તેના પિતરાઈ ભાઈ ધ્રુમિલ પટેલ સાથે એક્ટિવા લઈ માલપુર કામકાજ અર્થે ગયા હતા. માલપુરથી પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે મોર ડુંગરી ગામ નજીક એક્ટિવા હંકારી રહેલા ક્રિશ પટેલે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા એક્ટિવા ડિવાઈડર સાથે ભટકાતા ક્રિશ પટેલ અને પાછળ બેઠેલ યુવક ધ્રુમીલ રોડ પર પટકાતાં ક્રીશના શરીરે ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. ધ્રુમિલને ઈજાઓ પહોંચતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે દવાખાને ખસેડ્યો હતો. મૃતક સગીર પરિવારનો એકનો એક કૂળદીપક હોવાથી પરિવારજનોએ રોક્કળ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. માલપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી પીએસઆઈ એન.એમ.સોલંકીએ વધુ તપાસ હાથ ધરી છે. અન્ય એક અકસ્માતમાં ધનસુરા તાલુકાના નવલપુર નજીક ગત રાત્રીના ૧૦ વાગ્યાના સુમારે રવિભાઈ રાજુભાઈ યાદવ રહે.નવાવાડજ, મુખીવાસ,અમદાવાદ પોતાની કાર નં.જીજે.૧૮ એએફ.૦૮૭૫ને પુરઝડપે હંકારી સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતાં રોંગ સાઈડે જઈ રોડની સાઈડમાં ઝાડ સાથે અથડાતા પોતાના માથા અને મોંઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો.જયાં સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજયું હતું. જયારે રતીકભાઈ કાન્તીભાઈ યાદવ તથા મનીષભાઈ ગટુભાઈ યાદવને શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.