સુરત-

સુરતમાં સસ્તા સોનાની લાલચમાં આવેલા ઉત્તરાખંડના સોનીને સુરતના યુવાને સાગરીતો સાથે ભેગા મળી સોની પાસે વધુ રૂપિયા કઢાવી લેવાના બદ ઈરાદે સોની અને તેના મિત્રનું અપહરણ કરી માંગરોળ તાલુકાના વેલાછા ગામે આવેલા ફાર્મહાઉસમાં ગોંધી રાખ્યા હતાં. સોની પાસેથી ચેક, એટીએમ તેમજ ૧૩ લાખની કિંમતનાં સોનાનાં ઘરેણાં સહિત ૨૨ લાખની કિંમતનો મુદ્દામાલ બળજબરીથી કઢાવી લીધો હતો. ત્યાર બાદ સોનીનું કાસળ કાઢવા આરોપીઓ વેલાછાથી અન્ય સ્થળે લઈ જઈ રહ્યા હતા ત્યારે અપહરણકર્તાની ચુંગાલમાંથી બંને ઈસમો ભાગી છૂટ્યા હતા, જેમને સ્થાનિક લોકોએ પોલીસ સમક્ષ ઘટના વર્ણવતાં તે પણ ચોંકી ઊઠી હતી. પોલીસે ભોગ બનનારા વેપારીની ફરિયાદ લઈ કુલ ૫ ઉપરાંત અન્ય ૮થી વધુ ઈસમો પર કોસંબા પોલીસ સ્ટેશનમાં અપહરણ અને લૂંટની ફરિયાદ નોંધી છે.

૧૦મી ફેબ્રુઆરીના રોજ સાંજે માંગરોળ તાલુકાના કનવાડા ગામ પાસેથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની મુખ્ય નહેર પર એક ઈસમ બચાવો બચાવોની બૂમો પાડી રહ્યો હતો. ત્યારે નજીકના ખેતરમાં બેઠેલા કેટલાક સ્થાનિક લોકો ત્યાં દોડી ગયા હતા. આ ઈસમે આપવીતી વર્ણાવી હતી, જેથી સ્થાનિક લોકોએ માંગરોળ પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતા જાેતાં પીએસઆઈ પરેશ નાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના ઋષિકેશમાં રહેતા જ્વેલર્સ નવીનભાઈ દિનેશભાઈ અગ્રવાલ અને તેમના મિત્ર હેમંતભાઈ મળ્યા હતા. તેમણે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે સુરતના કેટલાક ઈસમોએ તેમને છેલ્લા ૪ દિવસથી એક ગામ પાસે આવેલા ફાર્મહાઉસની અંદર ગોંધી રાખી તેમને માર મારી તેમની પાસેની રોકડ, સોનું વગેરે લૂંટી લીધું છે. આ ઘટનાની જાણ કોસંબા પોલીસને કરતાં કોસંબા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.