વડોદરાઃ માંજલપુર સ્મશાન પાસે બે માસ અગાઉ સર્જાયેલા હિટ એન્ડ રનના કેસમાં સાત વર્ષના માસુમ બાળકનું મોત નિપજ્યું હતું. આ ચકચારી બનાવમાં રાજકીય નેતાનો પુત્ર હાલ જામીન મુક્ત છે. ત્યારે તપાસ અધિકારીએ આ ગુનામાં આઈપીસી ૩૦૪ની કલમ ઉમેરવાની અરજ ગુજારતા સેશન્સ કોર્ટે ટ્રાયલ કોર્ટનો હુકમ રદ કરી આઈપીસી ૩૦૪ કલમનો ઉમેરો કરવાનો હુકમ કર્યો છે.

બે મહિના અગાઉ બે પિતરાઇ ભાઇઓને ટયૂશનમાંથી મોપેડ ઉપર ઘરે પરત આવતી યુવતીને માંજલપુર સ્મશાન પાસે જીપ લઇને આવતા દેવુલ ફુલબાજે ટક્કર મારી હતી.અકસ્માતના પગલે ત્રણેય રોડ પર ફંગોળાયા હતા. જેમાં સાત વર્ષના માસુમ બાળકનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ દેવુલ ઘનશ્યામ ફુલબાજે જીપ ડિવાઇડર પર ચડાવી દીધી હતી અને જીપ છોડીને ભાગી ગયો હતો. ત્યારબાદ તે માંજલપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. આ ગુનામાં અદાલતે દેઉલને જામીન ઉપર મુક્ત કર્યા બાદ તપાસ અધિકારીએ આઈપીસી ૩૦૪ની કલમ ઉમેરવા અરજ ગુજારી હતી. અત્રેની સેશન્સ અદાલતમાં રજૂ થયેલી ફોજદારી રિવિઝન અરજમાં રાજ્ય સરકાર તરફી ડીજીપી અનિલભાઈ દેસાઈએ દલીલો કરી હતી કે, આરોપીએ વગર ટ્રેનરે વાહન મોડીફાઇડ કર્યું હતું. વાહન પુરઝડપે હંકારી ડિવાઈડર ઉપર ચઢાવી અકસ્માત સર્જી બાળકનું મોત નિપજાવ્યું છે. આરોપી જાણતો હતો કે, હું વાહન શીખું છું ચલાવીશ તો કોઈનું મોત નિપજશે. જેથી સ્પષ્ટ પણે આઇપીસી કલમ ૩૦૪ લાગુ પડે છે. તેમ છતાં ટ્રાયલ કોર્ટે આ હકીકતને ધ્યાનમાં લીધા વગર વિવાદિત હુકમ કર્યો છે. આ ગુનાનો આરોપી સાત વર્ષના માસુમ બાળકને કચડી નાખી તેનું મોત નીપજાવી નાસી છૂટયો હતો. તપાસ અધિકારીએ આઇપીસી ૩૦૪ કલમનો ઉમેરો કરવાનો રિપોર્ટ ટ્રાયલ કોર્ટમાં નામંજૂર કર્યો છે. તે હુકમ રદ કરી આઈપીસી કલમ ૩૦૪ ઉમેરોનો રિપોર્ટ મંજૂર રાખી એફઆઈઆર સાથે રાખવા હુકમ કરવા વિનંતી છે. બંને પક્ષોની દલીલો બાદ સેશન્સ કોર્ટે આ કેસમાં આઇપીસી ૩૦૪ ની કલમનો ઉમેરો કરવાની અરજી સંદર્ભેનો ટ્રાયલ કોર્ટનો હુકમ રદ કરી એફઆઇઆરમાં આઇપીસી ૩૦૪ની કલમ ઉમેરવા હુકમ કર્યો હતો.