એડીલેડ 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સિરીઝની ઘણા સમયથી રાહ જોવાઈ રહી છે અને હવે આ આતુરતાનો અંત આવી રહ્યો છે. ગુરુવારે બંને વચ્ચે એડિલેડના મેદાન પર પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થશે. આ મેચ ડે-નાઇટ રહેશે. આમ ભારત અને ઓસ્ટ્રેલિયા પહેલી વાર ફ્લડલાઇટ હેઠળ પિંક બોલથી ટેસ્ટ મેચ રમનારા છે. આ મેચ રમ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન કોહલીની પત્ની અને બોલિવૂડની અભિનેત્રી અનુષ્કા શર્મા બાળકને જન્મ આપવાની હોવાથી કોહલી તેની સાથે રહેવા માગે છે. આમ તે આ સિરીઝની બાકી રહેલી ત્રણ ટેસ્ટમાં રમવાનો નથી. જોકે કોહલી પાસેથી પહેલી ટેસ્ટમાં સારા દેખાવની અપેક્ષા રખાય છે. એડિલેડ આમેય કોહલીનું માનીતું ગ્રાઉન્ડ છે. આ મેદાન પર વિરાટ કોહલી 2011-12, 2014-15 અને 2018-19ના પ્રવાસમાં એક એક ટેસ્ટ રમ્યો છે. આમ તે અહી ત્રણ મેચ રમ્યો છે. 

વિરાટ કોહલીએ આ મેદાન પર ત્રણ ટેસ્ટ રમી છે જેમાં તેણે ત્રણ સદી ફટકારી છે. તેમાંય 2014-15માં તે તેણે મેચના બંને દાવમાં સદી ફટકારી હતી. આ મેદાન પર કોહલીએ ત્રણ ટેસ્ટની છ ઇનિંગ્સમાં 71.83ની સહેરાશથી 431 રન ફટકાર્યા હતા. જાન્યુઆરી 2012માં આ મેદાન પર રમાયેલી ટેસ્ટમાં ભારતનો કારમો પરાજય થયો હતો. એ વખતે રિકી પોન્ટિંગ અને માઇકલ ક્લાર્ક બંનેએ બેવડી સદી ફટકારી હતી. ત્યાર બાદ ભારત માટે કોહલીએ 116 રન ફટકાર્યા હતા.

આમ છતાં ભારત 298 રનથી હારી ગયું હતું. 2014ના ડિસેમ્બરમાં રમાયેલી ટેસ્ટમાં પણ ભારતનો પરાજય થયો હતો પરંતુ એ વખતે કોહલીએ મેચના બંને દાવમાં સદી ફટકારી હતી. તેણે 115 અને 141 રન નોંધાવીને 1947-48માં આ જ મેદાન પર બંને દાવમાં સદી ફટકારનારા વિજય હઝારેના રેકોર્ડની બરાબરી કરી હતી. જોકે આ વખતે પણ ડેવિડ વોર્નર, માઇકલ ક્લાર્ક અને સ્ટિવ સ્મિથે સદી નોંધાવી હતી. વોર્નરે તો બંને દાવમાં સદી ફટકારી હતી અને ભારત હારી ગયું હતું. કોહલી આ મેદાન પર છેલ્લે 2019માં રમ્યો ત્યારે તે 34 અને ત્રણ રન કરી શક્યો હતો પરંતુ ખાસ વાત એ રહી કે તેની આગેવાનીમાં ભારતે એ વખતે 31 રનથી ટેસ્ટ જીતી હતી.