વડોદરા, તા.૧૯

તોકતે વાવાઝોડાને કારણે શહેરને પીવાનુ પાણી પુરૂ પાડતા મહિસાગર સ્થિત ફ્રેન્ચ કૂવા અને ખાનપુર ખાતે વીજ પુરવઠો ખોરવાઇ જતા ગઈકાલ મંગળવારના રોજ શહેર માટે ૪૭ એમએલડી જેટલી પાણીમાં ઘટ પડતા બુધવારના રોજ આજે શહેરના ઉત્તર અને દક્ષિણ ઝોનની ૧૪ ટાંકીના ૧૦ લાખ લોકોને ૧૦ થી ૨૦ મિનીટના કાપ સાથે પાણીનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.વીજ કંપનીના કર્મચારીઓએ આખી રાત કામગીરી કરીને વીજ પુરવઠો પૂર્વવર્ત કર્યો હતો.જેથી તમામ પંપો ચાલુ કરવામાં આવ્યા હતા. જાેકે, આજે સાંજે પણ પાણી રાબેતા મુજબ આપવામાં આવ્યુ હતુ. આવતિકાલે સવાર થી પાણી પુરવઠો પૂર્વવત કરવામાં આવશે.

પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ વાવાઝોડાના કારણે ખોરવાયેલ વીજ પુરવઠો પૂર્વવત કરવા વિજ કંપનીના કર્મચારીઓએ આખી રાત કામગીરી કરી હતી. તેમની સાથે કોર્પોરેશનનો સ્ટાફ પણ જાેડાયો હતો.જેમાં ફાજલપુરનો કુવો રાત્રે ૩ વાગે ચાલુ કરી ૬ પંપો શરૂ કરાયા હતા.જ્યારે દોડકા કુવા ખાતે તા.૧૮મીએ બપોરે ૧ વાગે લાઈટ ગઈ હતી જે રાત્રે ૧ વાગે ચાલુ થતા આ કુવાના ત્રણ પંપો ચાલુ કરવામાં આવ્યા હતા.્‌જયારે રાયકામાં ગઈકાલે સવારે લાઈટો ગઈ હતી જે આજે સવારે ચાલુ થતા આ કુવાના પાંચ પંપો શરૂ કરવામાં આવ્યા હતા.

પોઈચાના કુવામાં ગઈકાલે દોઢ કલાક જેટલો સમય લાઈટો ગઈ હતી તેને બાદ કરતા આ કુવાના પંપો ચાલુ છે. પરંતુ ખાનપુર ખાતે તા. ૧૮મી એ સવારે લાઈટો ગઈ હતી જે આજે સવારે ૭ વાગે ચાલુ થતા ખાનપુરના પણ બે પંપો શરૂ કરવામાં આવ્યા હતા.આમ મહિસાગર સ્થિત ચાર કુવા અને ખાનપુર મળીને ૨૧ પંપો શરૂ કરી આજે સાંજના ઝોનમાં પાણીનુ રાબેતા મુજબ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આવતિકાલે સવારથી પાણી પુરવઠો નિયમિત અગાઉની જેમ મળતો થઈ જશે. આમ વીજ કંપનીના કર્મચારીઓએ ધરાશાયી થયેલા થાંભલાઓને ફરી ઉભા કરીને વીજ લાઈનો ફરી શરૂ કરતા આજથી પાણી પૂરવઠો પૂર્વવત મળશે તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યુ હતુ.