વડોદરા : વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા સ્ટાર હોટલમાં પ્રમુખના જન્મદિને યોજવાના મામલે રાજકારણ ગરમાયુ છે.ત્યારે સામી ચૂંટણીએ વિવાદને ટાળવાને માટે શાસકો દ્વારા વિપક્ષને કોઈપણ પ્રકારનો મુદ્દો મળે નહિ એને માટે ભારે વિવાદ બાદ સ્ટાર હોટલમાં પ્રમુખના જન્મદિને રાખેલ સભાને મુલતવી રાખવાનો ર્નિણય છેલ્લી ઘડીયે લેવાશે એવી ચર્ચાઓ જિલ્લા પંચાયતના રાજકીય વર્તુળોમાં થઇ રહી છે. શાસક અને વિપક્ષ દ્વારા સંયુક્ત રીતે આ સભા બાબતે નક્કી કરીને ર્નિણય લેવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમ છતાં આ બાબતે બંને માંથી એકે પક્ષ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. બલ્કે એક તરફ મૌન સેવીને બીજી તરફ વિવાદ ઉપાડીને ગ્રાન્ટના કૌભાંડો પર ઢાકપિછોડો કરીને પ્રજાને બેધ્યાન કરવાને માટે આ વિવાદ વધુ પડતો ઉછાળી રહયાનું મનાય છે.હવે જ્યારે પ્રમુખનો જન્મ દિવસ અને એની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયતના ખભે આર્થિક ભારણ ઠોકી બેસાડવાને માટે આયોજનપૂર્વક પ્રમુખ દ્વારા સામાન્ય સભાનું સ્ટાર હોટલમાં આયોજન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો થઇ રહયા છે.ત્યારે શંકાના દાયરામાં આવેલ પ્રમુખ છેલ્લી ઘડીયે આ સામાન્ય સભા સ્ટાર હોટલમાં મુલતવી રાખવાનો ર્નિણય લેશે એમ જિલ્લા પંચાયતના આંતરિક વર્તુળો માની રહયા છે.