અંક્લેશ્વર, તા.૧૩ 

અંકલેશ્વર પંથકમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદ નાં કારણે નદી નાળા છલકાતા આસપાસ નાં વિસ્તારો માં પાણી ભરાય ગયા હતા. આમલાખાડી ઓવરફ્લો થતા હાંસોટ રોડ ઉપર પાણી ફળી વળતા વાહન વ્યવહાર ને અસર પડી હતી.પંથકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ ભારે વરસાદ ની આગાહી નાં પગલે દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અંકલેશ્વર પંથક માં તારીખ ૧૨ મી નાં રોજ થી શરુ થયેલ ધોધમાર વરસાદ નાં પગલે પંથકમાં નદી નાળા છલકાયા હતા. અંકલેશ્વર શહેર ની બાજુ માંથી પસાર થતી આમલાખાડી ઓવરફ્લો થતા આસપાસ નાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી એ જમાવટ કરી હતી. 

આ ઉપરાંત અંકલેશ્વર હાંસોટને જોડતા રોડ પર કડકિયા સ્કૂલ પાસે પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા હતા અને વાહન ચાલકોએ મહામુસીબતે વાહનો પસાર કર્યા હતા. વીત્યા ચોવીસ કલાક માં અંકલેશ્વરમાં ૧૨૬ એમએમ એટલે કે ૫ ઇંચ વરસાદ ખાબક્યો હતો , અને જાણવા મળ્યા મુજબ અત્યાર સુધીમાં ૫૪૭ એમએમ એટલે કે ૨૨ ઇંચ મોસમનો કુલ વરસાદ નોંધાયો હતો.