અમદાવાદ, તા.૨૧ 

રાજસ્થાનથી મહેસાણા દૂધસાગર ડેરીમાં લાવવામાં આવી રહેલા ઘીમાં પામ ઓઇલ મિક્સ કરી અમુલ બ્રાન્ડ સાથે કૌભાંડ કરવાનો કારસો પકડાઈ ગયો હતો. જેને લઈને અમૂલે રાજસ્થાનથી આ કોન્ટ્રાક્ટર દ્વારા આવેલા તમામ જથ્થા જેની કિંમત રૂ.૪૦ કરોડ જેટલી થાય છે તે ઘીનો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો હતો.દૂધસાગર અને દૂધમોતીસાગર બ્રાન્ડના ઘીમાં ભેળસેળ કરવામાં આવી હોવાના કારણે ભેળસેળ યુક્ત ૬૦૦ મેટ્રિક ટન ઘીનો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો હતો. આમ મહેસાણા દૂધ સંઘ ખાતે પેક કરેલો જથ્થો ડીસ્પેચ થતો અટકાવ્યો હતો.અમૂલના સ્ડ્ઢ સોઢીએ મહેસાણા ડેરીને પત્ર લખી કરી જાણ કરતા આ ડેરીઓએ અમૂલ અને સાગરની શાખ ન જોખમાય તે માટે જથ્થો અટકાવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.આ અંગે મહેસાણા દૂધસાગર ડેરીના ડાયરેક્ટર અશોકભાઈ ચૌધરીએ કહ્યું હતું કે, રાજસ્થાનથી મહેસાણા ડેરીમાં લવાઈ રહેલા ઘીમાં રાજસ્થાનના કોન્ટ્રાક્ટર દ્વારા પામ ઓઇલ મિક્સ કરીને ભેળસેળ કરવાનું બહાર આવતા જ અમુલની બ્રાન્ડમાં આવા આરોગ્ય સાથે ચેડાં કરનાર દોષિત સામે પગલાં ભરવામાં આવશે. દરમિયાનમાં મહેસાણા ડેરીના વાઇસ ચેરમેને ડેરીની ચૂંટણીને અનલક્ષીને આ કૌભાંડને વિરોધીઓનું કારસ્તાન ગણાવ્યું હતું.