વડોદરા-

ગુજરાતની સંસ્કારી નગરીમાં અનેક દાનવીરો સામે આવ્યા છે. તાજેતરમાં જ વડોદરાથી કેટલાક બ્રેઇનડેડ થયેલા દર્દીઓના પરિવારજનો દ્વારા ઓર્ગન ડોનેટ કરી અનેક લોકોને નવું જીવંત દાન અપાવ્યું હતું. જેમાં મંગળવારે વધુ એક વખત 83 વર્ષીય વૃદ્ધના કુદરતી નિધન બાદ તેમના પરિવારજનો દ્વારા દેહદાન કરવામાં આવ્યું હતું.

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા અને રિલાયન્સ ફાર્મસી લિમિટેડના માલિક હસમુખ શાહનું વહેલી સવારે કુદરતી અવસાન થયું હતું. તેમની અંતિમ ઈચ્છા હતી કે, તેમના અવસાન બાદ તેમનો મૃતદેહ દાન કરવામાં આવે. જેથી તેમના પરિવારજનો દ્વારા સયાજી હોસ્પિટલની મેડિકલ કોલેજ ખાતે હસમુખ શાહના મૃતદેહને ડોનેટ કરવામાં આવ્યો હતો. તેમના ભત્રીજા શૈલેષ શાહે જણાવ્યું હતું કે, હસમુખ શાહ મારા કાકા છે. વર્ષોથી રિલાયન્સ ફાર્માસી પ્રા.લી. ના નામે બિઝનેસ ચાલે છે. આજે પણ બિઝનેશ ચાલે છે. તેમની ઉમર 83 વર્ષની છે અને તેમની પોતાની મનની ઈચ્છા એવી હતી કે મારી જે બોડી છે તે કોઈને ઉપયોગમાં આવી શકે. એટલે વર્ષ 2016 માં તેમણે સયાજી હોસ્પિટલમાં મેડિકલ કોલેજની અંદર જાતે આવી અને બોડી ડોનેટ કરવાની સહેમતી દર્શાવી હતી. જેથી તેમના કહેવા મુજબ અમે તેમનો મૃતદેહ મંગળવારે બરોડા મેડિકલ કોલેજ ખાતે લઈ આવ્યા છે. આ દેહનો સારા માર્ગે ઉપયોગ થાય એવી અમારા પરિવારના તમામ સભ્યોની ઈચ્છા છે તેમ જણાવ્યું હતું.