વડોદરા, તા.૧૩

ભારતીના સૌથી વયોવૃદ્ધ ક્રિકેટર અને ભારતીય ટીમના પૂર્વ કપ્તાન ડી. કે. ગાયકવાડનું આજે જૈફ વયે નિધન થયું છે. તા.૨૭ ઓક્ટોબર ૧૯૨૮ના રોજ જન્મેલા દત્તાજીરાવ ગાયકવાડે આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતા. ભારતના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડનું આજે વય-સંબંધિત બીમારીના કારણે તેમનુ નિધન થયુ હતુ. તેમના અંતિમ સંસ્કાર રાજવી ગાયકવાડ પરીવારના સ્મશાન કીર્તીમંદિર ખાતે કરવામાં આવ્યા હતા.જેમાં મોટી સંખ્યામાં પૂર્વ ક્રિકેટરો ઉપસ્થિત રહ્યા હતા.

ભારતના પૂર્વ ઓપનિંગ બેટર અને રાષ્ટ્રીય કોચ અંશુમાન ગાયકવાડના પિતા અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન ડી.કે. ગાયકવાડ ૯૫ વર્ષના હતા. સૂત્રોએ જણાવ્યું હતુ કે તેઓ છેલ્લા કેટલાક દિવસથી વડોદરાની એક હોસ્પિટલના સારવાર હેઠળ હત. આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પોલો ગ્રાઉન્ડ પાસે આવેલા તેમના નિવાસ સ્થાનેથી તેમની અંતિમ

યાત્રા નિકળી હતી અને ગાયકવાડ પરીવારના સ્મસાન કીર્તિ મંદિર ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. જેમાં પરિવારના સભ્યો પૂર્વ ક્રિકેટરો સહિત ક્રિકેટ જગતના અગ્રણીઓ અને મિત્ર વર્તુળ ઉપસ્થિત રહ્યા હતા.

દત્તાજીરાવ કૃષ્ણરાવ ગાયકવાડે બરોડા ક્રિકેટ માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમણે અનેક ક્રિકેટવીરો તૈયાર કર્યા છે. ડિ.કે. ગાયકવાડ રાઈટ હેન્ડે બેટિંગ સાથે રાઈટ આર્મ મિડિયમ બ્રેક બોલિંગ માટે જાણીતા હતા. ૯૬ વર્ષના ડી. કે. ગાયકવાડની અનેક યાદગાર ઇનિંગ આજે પણ ક્રિકેટ પ્રેમીઓ યાદ કરતા હોય છે.

રણજી ટ્રોફીમાં બરોડાનું ૧૯૪૭ થી ૧૯૬૧ વચ્ચે પ્રતિનિધિત્વ કર્યુ હતુ

દત્તાજીરાવ ગાયકવાડે રણજી ટ્રોફીમાં વર્ષ ૧૯૪૭થી ૧૯૬૧ સુધી બરોડાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે ૧૧૦ મેચમાં ૫૭૮૮ રન બનાવ્યા હતા. જેમાં ૧૭ સદી પણ સામેલ છે. તેમનો સર્વોચ્ચ સ્કોર ૧૯૫૯-૬૦ની સિઝનમાં મહારાષ્ટ્ર સામે ૨૪૯ અણનમ છે. તેઓ વર્ષ ૨૦૧૬માં ભારતના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર બન્યા હતા.

ડી.કે. ગાયકવાડના નેતૃત્વમાં બરોડાની ટીમ રણજી ચેમ્પિયન થઈ હતી

ડી.કે. તરીકે પ્રસિદ્ધ દત્તાજીરાવ ગાયકવાડે ૧૯૫૨ થી ૧૯૬૧ દરમિયાન ક્રિકેટનુ મેદન ગજવ્યુ હતુ.શાનદાર ફટકાબાજી કરવી અને બચાવાત્મક બેટીંગમાં તેઓ માહીર હતા.૧૯૫૭-૫૮ માં બરોડાને લગભગ એક દશક બાદ રણજી વિજેતા પદ અપાવ્યુ હતુ.ડી.કે.ગાયકવાડે આ ટુર્નામેન્ટની ફાઈનલમાં સર્વિસીસની સામે ૧૩૨ રન બનાવ્યા હતા.

એમ.એસ. યુનિય ક્રિકેટ ટીમના પ્રથમ કેપ્ટન હતા

કેપ્ટન વિજય હઝારે જેવા દિગ્ગજાે સાથે રમનારા ડી.કે. ગાયકવાડ એમ.એસ.યુનિ.ક્રિકેટ ટીમની સ્થાપના બાદ પ્રથમ કેપ્ટન બન્યા હતા.ત્યારબાદ વર્ષ ૨૦૦૦ સુધી બરોડા રણજી ટીમના પ્રશિક્ષક પણ રહ્યા હતા.૧૯૬૦ના ઉત્તરાર્ધમાં બરોડા ક્રિકેટ એસોસિએશનમાં જે.વાય.લેલેની સાથે સહ સચિવ તરીકે પણ કામગીરી કરી હતી.જાેકે, તે પૂર્વે બરોડા રાજ્યના નિયંત્રક તરીકેની કામગીરી પણ કરી હતી.

 વર્ષ ૧૯૫૨માં લીડ્‌સમાં ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યુ હતું

દત્તાજીરાવ કૃષ્ણરાવ ગાયકવાડે વર્ષ ૧૯૫૨થી ૧૯૬૧ દરમિયાન ભારત માટે ૧૧ ટેસ્ટ મેચ રમ્યા હતા. તેઓ વર્ષ ૧૯૫૯માં ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રીય ટીમના કેપ્ટન પણ હતા. તેઓએ વર્ષ ૧૯૫૨માં લીડ્‌સમાં ઇંગ્લેન્ડ સામે ડેબ્યુ કર્યો હતો. તેઓએ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ પાકિસ્તાન સામે વર્ષ ૧૯૬૧માં ચેન્નઈમાં રમી હતી.તેમણે ૧૧ ટેસ્ટમાં ૨૦ ઈનિંગ્સ રમીને ૩૫૦ રન બનાવ્યા હતા. જેમાં હાઈએસ્ટ ૫૨ રનનો સમાવેશ થાય છે.

૯૦ માં વર્ષે પણ તેઓ જાતે કાર ડ્રાઈવ કરતા હતા

ડી.કે.ગાયકવાડ ૯૦ વર્ષની ઉમરે પણ જવાનોને હંફાવે તેટલા સ્વસ્થ હતા. તેઓ જાતે જ કાર ડ્રાઈવ કરીને ક્રિકેટ ગ્રાઉનડ પર આવતા અને ખેલાડીઓને જરૂરી માર્ગદર્શન પણ આપતા હતા. એટલું જ નહીં ડી.કે.ગાયકવાડને નજીકથી જાણનાર તેમના મિત્રો નું તો તેવુ પણ કહેવુ છે કે ૯૦ વર્ષની ઉંમરે પોતાની બ્લ્યૂ રંગની કાર લઈ જાતે જ તેઓ આરટીઓ કચેરી પહોંચ્યા હતા. અધિકારીઓને લાયસન્સ રીન્યુ કરવા માટે રજૂઆત કરી હતી.

શ્રદ્ધાંજલિ અર્પી શોક વ્યક્ત કર્યો

દત્તાજીરાવ ગાયકવાડના નિધન પર શોક વ્યક્ત કરતા ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે શ્રદ્ધાંજલી આપતી એક પોસ્ટ શેર કરી લખ્યું,કે,મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ પર વડના ઝાડ નીચે છાયડામાં તેમની ભૂરા રંગની કાર મૂકીને ગાયકવાડ સરે અથાગ પરીશ્રમથી હંમેશા બરોડા ક્રિકેટ માટે યુવા પ્રતિભા શોધી કાઢી અને અમારી ટીમના ભવિષ્યને આકાર આપ્યો. તેમને ખૂબ જ યાદ કરવામાં આવશે. ક્રિકેટ સમુદાય માટે મોટી ખોટ છે. જ્યારે પૂર્વ ક્રિકેટર નયન મોંગીયા, મહેંદી શેખ સહિતે શ્રદ્ધાંજલી અર્પીને શોકની લાગણી વ્યક્ત કરી હતી.

 પૂર્વ કેપ્ટન સી.કે. નાયડુના વિદ્યાર્થી હતા

ઇડ.કે. ગાયકવાડ પૂર્વ કેપ્ટન સી,એસ. નાયડુના વિદ્યાર્થી હતા.બરોડાના મહારાજે યુવા ક્રિકેટરોને તૈયાર કરવા પ્રશિક્ષણ આપવા સી.એસ.નાયડુની નિયુક્તી કરી હતી.તે સમયે ગાયકવાડ ૧૨ વર્ષના હતા.અને બરોડામાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સી.કે. નાયડુએ શરૂ કરેલી પહેલી અન્ડર-૧૪ અને ૧૬ની ક્રિકેટ ટુર્નામેન્ટમાં તેમણે ભાગ લીધો હતો.સી.એસ.નાયડુ પાસેથી તેમણે લેગ સ્પીન અને ગુગલીના દાવપેચ આત્મસાત કરનારા ગાયકવાડે ૧૯૪૮માં બોમ્બે યુનિ.માંથી રણજી ટ્રોફીમાં પદાર્પણ કર્યુ હતુ.તેમની સાથે પોલી ઉમરીગર અને જી. રામચંદ્રન જેવા પ્લેયરો પણ હતા.

દિગ્ગજ ક્રિકેટરોને તેમણે માર્ગદર્શન આપ્યુ હતુ

બરોડાના તેમજ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં વડોદરાનુ નામ રોશન કરનારા અંશુમાન ગાયકવાડ,કિરણ મોરે, નયન મોંગીયા,અતુલ બેદાડે, કોનાર વિલીયમ્સ, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, જેકોબ માર્ટીન,કેદાર ચવાણ,રાકેશ પરીખ સહિત અજીત ભોઈટે સુધી તમામ ક્રિકેટરોને તેમણે માર્ગદર્શન આપ્યુ હતુ.તેઓ ૧૯૮૮-૮૯ સુધી મોતીબાગ નિયમિત જઈને ક્રિકેટરોને વિનામૂલ્યે માર્ગદર્શન આપતા હતા.