અમદાવાદ-

અમદાવાદમાં વધતા કોરોનાના કેસોને કાબુમાં લેવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પલગા લેવાઈ રહ્યા છે. ઓફિસો અને ઔદ્યોગિક એકમોમાં કોરોનાને લઈ કોવિડ કો-ઓર્ડિનેટર નિમવામાં આવ્યા છે. ત્યારે હવે રહેણાંક વિસ્તાર એટલે કે સોસાયટી, ફ્લેટ, મહોલ્લામાં કોવિડ કો-ઓર્ડિનેટર નીમવા આવશે. આ કોવિડ કો-ઓર્ડિનેટર સોસાયટી, ફ્લેટના મેનેજર, મંત્રી, પ્રમુખ આયોજક વગેરેમાંથી કોઈ એકને નીમવાનો રહેશે. જેની જાણ જે તે ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને કરવાની રહેશે. આ કોર્ડિનેટરે સોસાયટીમાં માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું વગેરે બાબતોનું પાલન કરાવવાનું રહેશે. હોમ- ક્વૉરન્ટીન કરાયેલા કુટુંબ કે વ્યક્તિ નિયમનું પાલન કરે તે જાેવાનું રહેશે.

જાે તેઓ નિયમ ભંગ કરે તો આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવી. બહારથી આવતી વ્યક્તિએ માસ્ક પહેર્યા છે કે નહીં, થર્મલ ગનથી તેનું ચેકિંગ, આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવી, હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરાવવાનો રહેશે. થર્મલ ગનથી તપાસતા કોઈની તબિયત નાદૂરસ્ત જણાય તો ૧૦૪ બોલાવીને તે વ્યક્તિને સોંપવાની રહેશે. પોઝિટિવ આવેલા દર્દીના સંપર્કમાં ૧૪ દિવસ દરમ્યાન કોણ કોણ આવ્યું હતું તેની જાણ મોબાઇલ નંબરો સાથે મ્યુનિ.ને કરવાની રહેશે. માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાંથી કોઈ પણ વ્યક્તિ માત્ર મેડિકલ કારણોસર પોલીસને નોંધણી કરાવીને બહાર જઈ શકશે. માઇક્રો કન્ટેન્મેન્ટમાં તમામના ટેસ્ટ કરાયા બાદ કોઈ કેસ પોઝિટિવ ના નીકળે તો જ એરિયાને મુક્તિ અપાશે.

હોમ-ક્વૉરન્ટીન કુટુંબની વ્યક્તિ ઇમરજન્સીમાં જ બહાર નીકળી શકશે. ટેસ્ટ કરવા આવનાર સ્ટાફને સહયોગ આપવાનો રહેશે. ઉપરાંત આ કામગીરીમાં સહયોગ નહી આપનાર સામે દંડાત્મક કાર્યવાહી થઇ શકે છે. નોંધનીય છે કે, રિવરફ્રન્ટ હાઉસ ખાતે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા, કમિશનર મુકેશકુમારની અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી મીટીંગ દરમ્યાન આ ર્નિણયો લેવાયા હતા. ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ કોરોનાની મહામારીને નાથવા અનેકવિધ પગલા લેવાઈ રહ્યા છે જેમાં આ ર્નિણય ખૂબ જ અસરકારક સાબિત થશે.