રાજકોટ-

સૌરાષ્ટ્રના પાટનગર મનાતા એવા રંગીલા રાજકોટમાં યુવાધન જાતે નશાને રવાડે ચડ્યું હોય તેમ શહેરમાંથી અને ગાંજો સહિતની નશાકારક વરસ્તુઓ ઝડપાવાનો સિલસિલો યથાવત છે. એવી જ વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં રાજકોટના કોઠારીયા વિસ્તારમાં આવેલ તિરુપતિ સોસાયટીમાં એક બિહારી ઈસમ 190 કિલોગ્રામ નશાયુક્ત ચોકલેટ સાથે ઝડપાયો છે. આ ઓપરેશન સીઆઇડી ક્રાઈમ દ્વારા પાર પાડવામાં આવ્યું છે. રાજેન્દ્રપ્રસાદ બીષ્ણુપ્રસાદ ગુપ્તા નામના ઇસમની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરાઇ છે. નશાયુક્ત ચોકલેટમાં ગાંજો મિશ્રિત હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવી રહ્યું છે. મૂળ બિહારનો અને છેલ્લા 15 વર્ષથી રાજકોટમાં આ ઈસમ મજૂરી કામ કરે છે. જેની પાસેથી 798 નશાયુક્ત ચોકલેટના પેકેટ મળી આવ્યાં છે. જે તે રાજકોટની વિવિધ પાનની દુકાનો પર રૂ.10માં આપતો હતો. પ્રાથમિક પૂછપરછમાં એ પણ ખુલાસો થયો છે કે આ ઇસમ છેલ્લા દોઢ વર્ષથી નશાયુક્ત ચોકલેટના કામમાં જોડાયો છે.