અરવલ્લી,તા.૨૦      

અરવલ્લી જિલ્લાને સાબરકાંઠા જિલ્લામાંથી અલગ થયે ૭ વર્ષ બાદ પણ સિવિલ હોસ્પિટલનું નિર્માણ ટલ્લે ચઢતાં લોકોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ભાજપના પદાધિકારીઓએ જિલ્લાના ૧૧ લાખ લોકોના પ્રાણ પ્રશ્ન એવા સિવિલ હોસ્પિટલના ઝડપથી નિર્માણ કાર્ય થાય તે અંગે ભાજપના પદાધિકારીઓએ ચુપકીદી સેવી લેતા ભાજપના પદાધિકારીઓ સામે ભારે છૂપો રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના પદાધિકારીઓનું મૌન અને રાજ્ય સરકારની ઢીલી નીતિના પગલે આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પરાજયનો સ્વાદ ચાખવો પડે તો નવાઈ નહિ...! ભાજપના એક અગ્રણી કાર્યકરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સિવિલ નિર્માણનો જશ ખાટી ન જાય તે માટે સિવિલ હોસ્પિટલનું નિર્માણ ખોરંભે ચઢાવ્યું હોઈ શકે છે. હાલ તો ભાજપ કોંગ્રેસના રાજકારણમાં જિલ્લાના લોકો આરોગ્યલક્ષી સેવાઓથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ત્રણે ધારાસભ્યો જિલ્લામાં લોકોની તાતી જરૂરિયાત એવી સિવિલ હોસ્પિટલની માંગને લઈને સરકાર અને તંત્ર સામે લડી લેવાના મુડમાં હોય તેમ સતત વિરોધ પ્રદર્શન,પોસ્ટર વોર,આવેદન અને મુખ્યમંત્રીને પત્ર લખી હોસ્પિટલનું નિર્માણ ઝડપથી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. વધુ એક વાર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, જિ. પં.પ્રમુખ, ત્રણે ધારાસભ્યોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી સિવિલ હોસ્પિટલનું ઝડપથી નિર્માણ કરાય તેવી માંગ કરી હતી. જિલ્લા કલેક્ટર ઔરંગાબાદકરેની મુલાકાત લઇ સિવિલ હોસ્પિટલ નિર્માણ કાર્ય કેટલે પહોંચ્યું તેની પણ ચર્ચા કરી હતી. જિલ્લા કોંગ્રેસે સરકાર કે વહીવટી તંત્ર પાસેથી આગામી ગુરુવાર સુધી કોઈ યોગ્ય જવાબ નહિ મળે તો જિલ્લા અને તાલુકા મથકે કોંગ્રેસ પ્રતીક ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.કોંગ્રેસના ધારાસભ્ય અનીલ જોષીયારાએ કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્યો વિકાસના કામ માટે સરકારમાં રજુઆત કરવા છતાં કામગીરી થતી નથી.