વડોદરા, તા. ૧૭

ઓનલાઈન સ્ટેટસ મુકી વન્યજીવોનું વેચાણ કરનાર વ્યક્તિની બાતમીને આધારે ગુજરાત એસ.પી.સી.એ. સંસ્થા દ્વારા વન વિભાગને સાથે રાખીને ડમી ગ્રાહક બની રેડ પાડતા પહાડી પોપટ તેમજ કુતરાના બચ્ચાનું વેચાણ કરતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

મૂળ દાહોદના ચૌહાણ વિજેન્દ્રસિંહ હિંમતસિંહ પેટ સેન્ટર (પાળેલા કૂતરાનું વેંચાણ કરતું સેન્ટર) ચલાવે છે. તેઓ દ્વારા થોડા દિવસ અગાઉ પોપટના વેચાણ માટેનું ઓનલાઈન સ્ટેટસ મુકયું હતું. જેની જાણ ગુજરાત પ્રાણી નિવારણ સંસ્થાને થતા તેઓ વડોદરા અને દાહોદ વન વિભાગને સાથે રાખીને ડમી ગ્રાહક બનીને તેની પાસેથી પ્રથમ કુતરાની ખરીદી માટેની માહિતી માંગી હતી. બાદમાં પોપટ વિશેનું જણાવતા તેને એક પોપટ બે હજારની કિંમતમાં વેચવાનું નક્કી કરતા તેને ગોધરા – દાહોદ હાઈવે પર પોપટ અને કુતરુ આપવાનું નક્કી કરીને બોલાવ્યા બાદ તેની વન વિભાગના અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી કુલ ૧૪ પહાડી પોપટ તેમજ ફિટનેસ સર્ટીફીકેટ વિનાનું માત્ર પાત્રીસ દિવસનું કુતરાંનું બચ્ચું મળી આવતા તેની વિરુધ્ધ વન્યજીવ વેંચાણનો તેમજ પ્રાણી ક્રુરતાનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.