દેવગઢબારિયા, કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇ અંગ્રેજી નવા વર્ષની ઉજવણી જાહેરમાં કરવા ઉપર દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું તથા આમ છતાં પણ જાે કોઈ જાહેર સ્થળોએ ઉન્માદ કરતા જાેવા મળશે તો તેમની સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જાેઇસરે જણાવ્યું છે. આ સંદર્ભે તેઓએ વધુમાં જણાવ્યું કે ગત દિવાળી બાદ દાહોદમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થતો રહ્યો છે. કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે આરોગ્ય તંત્ર પોલીસ તંત્ર તથા જિલ્લા વહીવટી તંત્ર દિન રાત મહેનત કરી રહ્યું છે. ત્કોરોના વાયરસને લઈને દાહોદ જિલ્લામાં જાહેરનામા અમલમાં છે.જાહેર સ્થળો ઉપર ચારથી વધુ વ્યક્તિને એકત્રિત થવા ઉપર કે સભા સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પોલીસ તંત્ર દ્વારા જિલ્લાના તમામ થાણાઓ દીઠ આવા સ્થળો ઓળખી કાઢવામાં આવ્યા છે અને ત્યાં ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. દાહોદમાં સ્ટેશન રોડ, રેલવે ઓવરબ્રિજક, નગરપાલિકા ચોક, ઝાલોદ બાયપાસ સહિતના સ્થળોએ પોલીસ દ્વારા કડક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આથી તમામ નાગરિકોને અંગ્રેજી નવા વર્ષની ઉજવણી ઘરે રહીને કરવા અપીલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ પોલીસ તંત્ર દ્વારા છેલ્લા એક જ સપ્તાહમાં નશાબંધીના ૫૦થી વધુ કેસો કરવામાં આવ્યા છે.નશાખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. બુધવારના રોજ ૩૧મી ડિસેમ્બરને ધ્યાને રાખીને દાહોદ શહેરમાં પોલીસ દ્વારા ચાર જેટલા બ્રેથએનેલાઇઝર દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે.