વડોદરા, તા. ૬

વડસર વિસ્તારની બિલ્લાબોન્ગ સ્કુલ દ્વારા એફઆરસીના નિર્ણયોને અવગણીને બેફામ ફી ઉઘરાવવામાં આવતી હોવા અંગે અનેકવિદ ફરિયાદો થયા બાદ ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. સ્કુલ દ્વારા આપવામાં આવેલ જવાબને ડી.ઈ.ઓ એ ફી નિર્ધારણ સમિતિને મોકલતા એફઆરસી દ્વારા તોતિંગ ઘટાડા સાથે આજે સ્કુલની રિવાઇઝડ ફી જાહેર કરવામાં આવી છે. 

ગત ફેબ્રુઆરી મહિનાથી વાલીઓ બિલ્લાબોન્ગ સ્કુલ દ્વારા મનફાવે તેમ ફી માંગવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી હતી. સ્કુલ દ્વારા રીવીઝન અરજી કરવામાં આવી હોવાથી તેઓ પોતે નક્કી કરેલી ફી લેતા હોવાનો ખુલાસો વાલીઓ સમક્ષ કરવામાં આવ્યો હતો. સ્કુલ દ્વારા આ જ જવાબ ડી.ઈ.ઓ દ્વારા આપવામાં આવેલી કારણ દર્શક નોટિસમાં આપવામાં આવ્યો હોવાથી ગઈકાલે ડી.ઈ.ઓ દ્વારા બિલ્લાબોન્ગ સ્કૂલની ફી ની બાબત એફઆરસી સમક્ષ મોકલી આપવામાં આવી હતી. ફી નિર્ધારણ સમિતિ દ્વારા સ્કુલ તરફથી જવાબદાર વ્યક્તિઓને બોલાવીને સ્કૂલમાં કામ કરતા ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, શાળાના બિલ્ડિંગના દસ્તાવેજો સહિતની વસ્તુઓ મંગાવીને તેમની આવક અને ખર્ચનું ઓડિટ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ, શાળા દ્વારા માંગવામાં આવેલી ફી અંગે પૂછવામાં આવ્યું હતું અને અંતે રિવાઇઝડ ફી નક્કી કરવામાં આવી હતી. 

ઓર્ડરમાં જણાવ્યા પ્રમાણે સ્કુલ નક્કી કરવામાં આવેલી ફી સિવાયની અન્ય કોઈ પણ પ્રકારની ફી લઇ શકશે નહિ. તેમજ અન્ય વૈકલ્પિક પ્રવૃત્તિની ફી વાલીઓ અને વિદ્યાર્થીઓની મંજૂરી સિવાય લઇ શકશે નહિ અને દબાણ પણ કરી શકશે નહિ. 

બિલ્લાબોન્ગ સ્કૂલમાં જ કાંગારૂ કિડ્‌સ ઇન્ટર. સ્કૂલ ગેરકાયદે ચાલતી હોવાનો ઘટસ્ફોટ? 

વડોદરા, તા. ૬ 

ફી ના કારણે વિવાદમાં રહેનાર બિલ્લાબોન્ગ સ્કૂલના કેમ્પસમાં જ કાંગારૂ કિડ્‌સ ઇન્ટરનેશનલ સ્કુલ ચાલતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આજે બિલ્લાબોન્ગ સ્કૂલની બહાર કાઉન્ટર નાખીને કાંગારૂ કિડ્‌સ ઇન્ટરનેશનલ સ્કુલના બેગ, બૂક્સ સહિતના મટિરિયલનું વેચાણ થઇ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. હવે, બિલ્લાબોન્ગ સ્કુલ પાસે પોતાના કેમ્પસમાં કાંગારૂ કિડ્‌સ સ્કુલ ચલાવવાની મંજૂરી છે કે કેમ? તેના પર સવાલો ઉભા થયા છે. એફ.આર.સી દ્વારા બિલ્લાબોન્ગ સ્કૂલની રિવાઇઝડ ફી જાહેર કરવામાં આવી છે. ત્યારે બિલ્લાબોન્ગ સ્કુલ માટે નવો વિવાદ ઉભો થયો છે. સ્કૂલના કમ્પાઉન્ડમાં જ કાંગારૂ કિડ્‌સ ઇન્ટરનેશનલ સ્કુલ નામથી અન્ય એક સ્કુલ પણ ચાલતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આજે બિલ્લાબોન્ગ સ્કુલ બહાર કાઉન્ટર નાખીને કેટલાક લોકો કાંગારૂ કિડ્‌સ સ્કૂલના બેગ્સ, મટીરીયલ્સ સહિતનો સામાન વેચી રહ્યા હોવાનું સામે આવ્યું છે. એક વાલીએ, બંને સ્કૂલો એક જ કેમ્પસમાં ચાલતી હોવાની વાતને સમર્થન પણ આપ્યું છે. મટીરીયલ્સ પર માટે કાંગારૂ કિડ્‌સ સ્કુલનું નામ જોવા મળી રહ્યું હતું, બિલ્લાબોન્ગ સ્કૂલના ર્હોડિંગ કે અન્ય કોઈપણ જગ્યાએ કાંગારૂ કિડ્‌સ સ્કુલનું નામ સુદ્ધા જોવા મળતું ન હોઈ એક જ કેમ્પસમાં આ બંને સ્કૂલો ચલાવવા માટે મંજૂરી છે કે કેમ? તે અંગે વાલીઓમાં ચર્ચા જામી છે.