જૂનાગઢ-

કોરોના મહામારી વચ્ચે હવે બર્ડ ફ્લૂની એન્ટ્રીથી લોકો દહેશતમાં છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઝારખંડ બાદ હવે ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂની આશંકા વધી ગઈ છે. રાજ્યના જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામમાં ૫૦થી વધુ પક્ષીઓ મૃત મળી આવતા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. બર્ડ ફ્લૂની આશંકાના પગલે પક્ષીઓના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવાયા છે.

આ અંગે રાજ્યના વાઈલ્ડ લાઈફ વિભાગના અધિકારી શ્યામલ ટીકાદારના જણાવ્યા મુજબ, બર્ડ ફ્લૂની આશંકાને પગલે અમે એલર્ટ જાહેર કર્યું છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યું કે, ટિંટોડી, બતક અને બગલા સહિત ૫૩ જેટલા પક્ષીઓ મૃત મળી આવ્યા છે. જાે કે હજુ સુધી તેમના મોતનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું. પક્ષીઓના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તેમના મૃતદેહને કબજે કરીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.  

જણાવી દઈએ કે, સૌ પ્રથમ રાજસ્થાનના ૫ જિલ્લાઓમાં ૬૦થી વધુ કાગડાઓ મૃત મળી આવ્યા હતા. હિમાચલ પ્રદેશમાં છેલ્લા એક અઠવાડિયાથી પોંગ ડેમ અભ્યારણ્યમાં ૧૦૦૦થી વધી વિદેશી પક્ષીઓ મૃત મળી આવ્યા છે. વહીવટી તંત્રએ પક્ષીઓના મૃત મળી આવવા સંદર્ભે એલર્ટ જારી કરી રાખ્યું છે.