દિલ્હી-

કોરોના કાળમાં લગભગ એક વર્ષના અંતરાલ બાદ આજે પ્રથમ વખત મળેલી ભાજપની સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક તરફ પક્ષના સાંસદોને કોરોના વેકસીન લેવા માટે લોકોને પ્રોત્સાહીત કરવા જણાવ્યુ હતુ તો બીજી તરફ વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો કે પ.બંગાળની ચુંટણી ભાજપ જીતી રહી છે. દિલ્હીમાં આજે સંસદ ભવનમાં બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત સંરક્ષણ મંત્રી રાજયનાથસિંહ, નાણામંત્રી નિર્મલા સીતારામન સહીતના કેબીનેટ મંત્રીઓ તથા ભાજપના પદાધીકારીઓ હાજર હતા. મોદીએ કહયુ કે બજેટ સત્ર એ સૌથી મહત્વનું સત્ર બની રહેશે. સરકારે કોરોના સંકટ બાદનું એક મહા બજેટ રજુ કર્યુ છે જે ઐતીહાસીક છે અને તેનો ફાયદો એક વર્ષમાં દેશના લોકોને મળશે.

મોદીએ પક્ષના સાંસદોને બજેટ યોજનાઓ અને લાભો અંગે લોકો સુધી જવા જણાવ્યુ હતુ અને ઉમેર્યુ હતુ કે દેશમાં કોરોના વેકસીન પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ બની ગઇ છે અને સાંસદોએ નીશ્ર્ચીત કરવુ જોઇએ કે તેમના મત ક્ષેત્રમાં દરેક વ્યકિતને વેકસીનનો ડોઝ મળે. અને આ માટે લોકોને પ્રોત્સાહીત કરવા પડશે. મોદીએ તાજેતરની ચુંટણીઓ ઉલ્લેખ કરતા કહયુ કે પ.બંગાળમાં ભાજપની જીત નિશ્ર્ચીત છે અને આપણે આ રાજયને એક સ્વચ્છ અને વિકાસલક્ષી શાસન પુરુ પાડવાનુ છે. જે આપણી જવાબદારી બની જાશે.