મેલબોર્ન 

ભારતે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ 4 ટેસ્ટની સિરિઝની બીજી મેચમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે. મેલબર્નમાં રમાતી બોક્સિંગ-ડે ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગમાં 6 વિકેટ ગુમાવીને 133 રન જ બનાવી શકી. ટીમ ઈન્ડિયાની વિરુદ્ધ માત્ર 2 રનની સરસાઈ લીધી. હાલમાં, કેમરુન ગ્રીન અને પેટ કમિન્સ અણનમ છે. રવિન્દ્ર જાડેજા અત્યાર સુધીની મેચનો હીરો રહ્યો. તેણે પ્રથમ ઈનિંગમાં ફિફ્ટી લગાવી. તેના પછી બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની 2 વિકેટ પણ લીધી.

મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 195 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેચમાં 326 રન બનાવીને 131 રનની સરસાઈ લીધી હતી. હવે ભારતીય ટીમની કોશિશ ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાને ઓછા સ્કોર પર ઓલઆઉટ કરીને જલદી મેચ જીતવાની રહેશે.

યજમાન ઓસ્ટ્રેલિયન ટીમની બીજી ઈનિંગમાં શરૂઆત ખરાબ રહી. ઈનિંગની ચોથી ઓવરમાં જો બર્ન્સ 4 રન બનાવીને પેવેલિયનમાં પાછો ફર્યો. તેના પછી મેથ્યુ વેડ અને માર્નસ લાબુશેને 38 રનની પાર્ટનરશીપ કરીને ઈનિંગ સંભાળવાની કોશિશ કરી. ટીમ માટે ત્રીજા દિવસે આ જ સૌથી મોટી પાર્ટનરશીપ પણ રહી. તેના પછી સતત પડતી વિકેટના કારણે મિડલ ઓર્ડર સંપૂર્ણપણે ઢેર થયો. ઓસ્ટ્રેલિયાએ 100 રનની અંદર જ 6 વિકેટ ગુમાવી દીધી. ભારત માટે જાડેજા ઉપરાંત જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ અને રવિચંદ્રન અશ્વિનને 1-1 વિકેટ મળી.