વડોદરા ; ઢોરપાર્ટી દ્વારા શહેરમાંથી રખડતા ઢોર પકડવાની ઝુંબેશ છેલ્લા કેટલાક સમયથી કરાઈ રહી છે. ઢોરપાર્ટીમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓ અને ગોપાલકો વચ્ચે ચાલતી સાંઠગાંઠ અંગે અવારનવાર રજૂઆતો થઈ છે. ત્યારે વધુ એક વખત પકડેલી ગાયો છોડી મૂકી ગોપાલકને સોંપતો વીડિયો વાયરલ થતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જાે કે, મેયરને આ અંગેની ફરિયાદ મળતાં તુરંત તપાસના આદેશ આપ્યા હતા અને વીડિયોમાં નજરે પડી રહેલા ઢોરપાર્ટીને સુપરવાઈઝરને સસ્પેન્ડ કરવાની સૂચના આપી હતી.

વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તે રખડતા ઢોરોને પકડવા માટે ટીમોની સંખ્યા વધારીને કાર્યવાહી વઘુ સઘન બનાવાઈ છે. શહેરમાં છેલ્લા ૨૫ દિવસથી રખડતા ઢોરો પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને રોજની ૪૦થી ૫૦ ગાયો પકડવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. ત્યારે ઢોરપાર્ટીના કેટલાક કર્મચારીઓ અને ગોપાલકો વચ્ચેની સાંઠગાંઠ ચાલી રહી હોવાના કિસ્સા પણ અવારનવાર પ્રકાશમાં આવી રહ્યા છે, જેને લઈ ઢોરપાર્ટીના કર્મચારીઓની કામગીરી દરમિયાન મોબાઈલ પણ ઓફિસમાં જમા કરાવી દેવામાં આવે છે.

પરંતુ આજે વાયરલ થયેલા વીડિયોમાં ઢોરપાર્ટીનો સ્ટાફ પકડેલી ગાયો છોડીને ફરી ગોપાલકોને સોંપતાં નજરે પડી રહ્યો છે. આ વીડિયો નવાપુરા વિસ્તાર તેમજ જયરત્ન બિલ્ડિંગ પાસેથી ઢોરપાર્ટીએ પકડેલી ત્રણ ગાયો બગીખાના પાસે બરોડા હાઈસ્કૂલ પાછળ આવેલ હજીરાની પાસે ખુલ્લી જમીનમાં છોડી દેવામાં આવી હોવાનું જણાયું હતું. ત્યારે ગાયો ગોપાલક લઈને જતો હોવાનો વીડિયો વાયરલ થતાં ફરી એકવાર રખડતા ઢોર પકડવાની કામગીરી અંગે અનેક સવાલો ઊભા થયા છે. આ અંગે વીડિયો સાથેની ફરિયાદ મેયરને મળતાં મેયરે તુરંત દબાણ શાખાના અધિકારીને તપાસ કરીને જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. ત્યારે વીડિયોની તપાસમાં પકડેલી ગાયો છોડનાર પાલિકાની દબાણ ટીમનો સુપરવાઈઝર પ્રદીપ લોખંડે હોવાની સ્પષ્ટતા થતાં તેને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.