બેઈઝીંગ-

કોરોના વાયરસની બીજી લહેર વધારેને વધારે ભયંકર બની રહી છે, કોરોનાના વધતા કેસની સાથે રેકોર્ડ સંખ્યામાં દર્દીઓના મોત થઈ રહ્યા છે. આવામાં દુનિયા ભારતની મદદે આવી રહી છે ત્યારે ચીને પોતાની ખરાબ માનસિકતાનું પ્રદર્શન કરીને પોતાના પગ પર જ કુહાડો મારવા જેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. ચીનની સત્તારૂઢ પાર્ટીની દુનિયાભરમાં ફજતે થઈ રહી છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીએ સોશિયલ મીડિયા પર ભારતમાં વધેલા કેસ અંગે મજાક ઉડાવીને કહ્યું કે ભારતમાં ચિતાઓ સળગી રહી છે જ્યારે ચીન અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશન તૈયાર કરી રહ્યું છે. ચીનની માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ વીબો પર કમ્યુનિસ્ટ પાર્ટી સેન્ટ્રલ પોલિટિકલ એન્ડ લીગલ અફેર્સના અકાઉન્ટ પરથી કરાયેલી વિવાદિત પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચ્યો છે. આ પોસ્ટમાં એક તરફ ચીનના રોકેટ લોન્ચ કરવાની અને બીજી તરફ ભારતમાં મૃતદેહના અંતિમ સંસ્કારની તસવીર શેર કરાઈ છે. આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે.

ચીનની આગની વિરુદ્ધમાં ભારતની આગ. આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સે નિંદા વ્યક્ત કરીને જણાવ્યું છે કે, કમ્યુનિસ્ટ પાર્ટીએ ભારતમાં આવી પડેલી આફત પ્રત્યે અસંવેદનશીલતા દર્શાવી છે તે અયોગ્ય છે. વીબો યુઝર્સે કહ્યું કે આ પોસ્ટ અયોગ્ય છે, ચીને ભારત સાથે સહાનુભૂતિ દર્શાવવી જાેઈએ. આ નિંદા બાદ ચીનના સરકારી ભોપુ ગ્લોબલ ટાઈમ્સના એડિટર હૂ શિજિને લખ્યું કે, આપણે ભારત પ્રત્યે માનવીયતા દર્શાવવાની જરુર છે. જાેકે, આ પછી શિજિનનો અસલી ચહેરો દુનિયા સામે આવી ગયો. હુ શિજિને ટ્‌વીટ કરીને કહ્યું, ઘણાં ચીનના લોકો ચિંતિત છે કે ઓક્સિજન કન્સ્ટ્રેટર્સ અને વેન્ટિલેટર જેવા ઈમર્જન્સી સપ્લાય જે ચીન ભારતને આપશે તેનો ઉપયોગ ભારત ગરીબોને બચાવવાના બદલે દેશના અમીરોની જરુરિયાતો પૂરી કરશે. આ રીતે ગ્લોબલ ટાઈમ્સના એડિટરે ભારતની વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા. આ પહેલા ભારતમાં ચીનના રાજદૂતે આપેલા ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, "ભારતની માંગ પ્રમાણે ચીન મદદ કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરશે." રિપોર્ટ્‌સ મુજબ ભારત જે ૪૦,૦૦૦ ઓક્સિજન જનરેટર્સનો ઓર્ડર આપ્યો છે તેનું ઉત્પાદન ચાલું છે. ચીની કંપનીઓ જલદી ભારતને જરુરી મેડિકલ સપ્લાય પૂરો પાડશે.