અંકલેશ્વર

અંકલેશ્વર શહેર તેમજ જીઆઈડીસી વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે તંત્ર સફાળું જાગ્યું છે અને જાહેર સ્થળો એવા તમામ ગાર્ડન બંધ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સેનિટાઈઝેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

અંકલેશ્વર શહેર વિસ્તારમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે ન.પા. દ્વારા યુદ્ધના ધોરણે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને પાલિકા હદ વિસ્તારમાં આવતા તમામ બાગબગીચઓ બંધ કરવામાં આવ્યા હતા. ન.પા. પ્રમુખ વિનય વસાવાએ જણાવ્યું હતું કે, શહેર વિસ્તારમાં તમામ ગાર્ડનને બંધ કરવામાં આવ્યા છે અને સ્લમ વિસ્તારમાંથી સેનિટાઈઝેશન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને નગરની જનતાને તેઓએ ભીડભાડવાળી જગ્યાએ ન જવા તેમજ માસ્ક, સેનિટાઈઝરનો ઉપયોગ કરી સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ કરી હતી. તો બીજી તરફ જીઆઈડીસી વિસ્તારમાં પણ નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા તમામ ગાર્ડન તેમજ શાક માર્કેટ બંધ કરાવવામાં આવ્યા છે અને લોકોને કોરોના અંગેની સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા માટે જણાવવામાં આવ્યું છે.