પૌરાણિકકાળમાં જયાં મહર્ષિ વિશ્વામિત્રનો આશ્રમ હતો એ શક્તિપીઠ પાવાગઢમાંથી ઉદ્દભવીને વડોદરાની હૃદયરેખા સમી ખળખળ વહેતી એક સમયની પવિત્ર નદીએ છેલ્લાં કેટલાંક દાયકામાં ગંધાતી ગટરનું રૂપ લીધું. એના તટ પર સ્થાપિત બિલ્ડરો-હોટેલ ઉદ્યોગોએ ગેરકાયદે દબાણ કરી એનો પટ સાંકડો કર્યો. સ્વયં પાલિકાએ તેમાં ગટરો વહેવડાવી અને એ જાેઈને તટ પરના તમામે પોતાની ગટરોનો બીજાે છેડો વિશ્વામિત્રીમાં ખૂલ્લો મુકયો. કાંઠે ખૂલ્લામાં ખડકાતા કચરા-ગંદકીના ઢગ એ પાણીમાં ભળતા ગયા અને આજે એક સમયની એ પવિત્ર નદી આ બધી જ બદીઓ ફૂલવા-ફાલવા દેનાર ભ્રષ્ટશાસકોના પાપે ગટર બની ચૂકી છે. આવા શાસકોને સણસણતો તમાચો મારવા એક સામાજિક કાર્યકરે વડોદરામાં પ્રવેશત્તાં પહેલાની વેમાલી ખાતેની સ્વચ્છ-સુંદર વિશ્વામિત્રીમાં સ્નાન કર્યું.