વડોદરા : ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી સફાળી જાગેલી કોંગ્રેસે આજે શહેરમાં ગાંધી નગરગૃહ ખાતે મોંઘવારી સામે દેખાવો કર્યા હતા. જાે કે, સાઈકલરેલીની શરૂઆત થાય એ પહેલાં જ પોલીસે અટકાયતી પગલાં ભરતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો સાથે પોલીસનું ઘર્ષણ થયું હતું. પોલીસે પ૦ જેટલા કાર્યકરોની અટકાયત પણ કરી હતી.

મોંઘવારીના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા આજે જનચેતના અભિયાનના ભાગરૂપે ગાંધી નગરગૃહ ખાતેથી સાઇકલરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં પેટ્રોલ-ડીઝલ, ગેસ બોટલ, દૂધ અને તેલના અસહ્ય ભાવવધારાના બેનરો-પોસ્ટરો સાથે સાઇકલરેલી નીકળે તે પહેલાં જ પોલીસે અટકાવી દીધી હતી. સાઇકલરેલીમાં જાેડાયેલા કાર્યકરો સાથે ઊંટગાડીએ આગવું આકર્ષણ જમાવ્યું હતું. જાે કે, કોંગ્રેસ દ્વારા આયોજિત સાઇકલરેલી નીકળે તે પહેલાં જ પોલીસે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત ૫૦ જેટલા કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. પોલીસતંત્ર દ્વારા અટકાયત શરૂ કરતાં કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને કાર્યકરો દ્વારા સરકાર વિરોધી ભારે સૂત્રોચ્ચાર કરતા ઉત્તેજના વ્યાપી ગઇ હતી.

પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાને પહોંચતાં તમામ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવો આસમાને પહોંચી ગયા છે. છેલ્લા કેટલાંક સમયથી કોંગ્રેસ દ્વારા જનચેતના અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો સાથે મોંઘવારી સામે આંદોલન કરી રહ્યા છે. આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં ગાંધી નગરગૃહથી કલેક્ટર કચેરી સાથે સાઇકલરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિરોધ પક્ષના નેતા અમી રાવત, કાઉન્સિલરો ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અમી રાવત સહિત મોટી સંખ્યામાં કાર્યકરો મોંઘવારી વિરોધી અને સરકાર વિરોધી પોસ્ટરો-બેનરો સાથે સાઇકલરેલી સ્વરૂપે ગાંધી નગરગૃહ આવી પહોંચી હતી. ગાંધી નગરગૃહ ખાતે આવી પહોંચ્યા બાદ સરકાર વિરોધી દેખાવો-સૂત્રોચ્ચાર કર્યા હતા. તે બાદ અમિત ચાવડાની આગેવાનીમાં સાઇકલરેલીની શરૂઆત કરી હતી. જાેકે, કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમના પગલે પોલીસ દ્વારા ગાંધી નગરગૃહ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોઇ પોલીસે સાઇકલરેલી કાઢવા દીધી ન હતી. અમિત ચાવડા, પ્રશાંત પટેલ, ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત ૫૦ જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસની દમનગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા કાઢેલી રેલીમાં કોવિડ-૧૯ની ગાઇડલાઇનનો ભંગ થતો હોવાથી અટકાયત કરવામાં આવી છે. ઘર્ષણને પગલે ગાંધી નગરગૃહની આસપાસનો ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાયો હતો. આ રેલીએ શહેરીજનોમાં આકર્ષણ જમાવ્યું હતું.

અમિત ચાવડાએ સરકાર ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકાર દારૂના અડ્ડા શરૂ કરવા માટે અને ભાજપને કાર્યક્રમો કરવા માટે છૂટ આપે છે. જ્યારે કોંગ્રેસ ગાંધી ચિંધ્યા માર્ગે પ્રજાના હિત માટે કાર્યક્રમ કરે તો સત્તાના જાેરે અવાજ દબાવવામાં આવે છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના કારણે જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ મોંઘી બની છે. નાગરિકોની વેદનાને વાચા આપવા આજે સાઇકલ યાત્રાનું આયોજન કરી કલેકટર મારફતે પ્રધાનમંત્રીને રજૂઆત કરવાની હતી, પરંતુ પોલીસે સરકારના ઇશારે બળનો ઉપયોગ કરી કાર્યક્રમ રોકી દેવાયો હતો.