વડોદરા : યોગી ડીવાઇન સંસ્થાના સ્થાપક પૂ.હરિપ્રસાદસ્વામીના અક્ષરવાસી થયા બાદ ગાદી માટે બે જૂથ વચ્ચે ખેંચતાણને લઇને વિવાદ થયો હોવાનું બહાર આવ્યું હતું. ગઈકાલે સોખડા ખાતે કાર્યક્રમમાં પ્રબોધ સ્વામીના સમર્થકો દ્વારા તેમને સંસ્થાની જવાબદારી સોંપવાની માંગ કરી હતી.જાેકે, આ બાબતે સ્પષ્ટતા કરતાં હરિધામ મંદિરમાંથી પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધજીવન સ્વામીએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, યોગી ડિવાઇન સોસાયટીના અધિષ્ઠાતા હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો અક્ષરધામગમન બાદ વારસદાર નક્કી કરવા માટે કોઇ જ બેઠકનું આયોજન કરવામાં આવ્યું નહોતું. ૨૬ સપ્ટેમ્બરે હરિપ્રસાદ સ્વામી મહારાજના અંતર્ધાન થયાનો દ્વિમાસિક સ્મૃતિદિન હોવાથી તેની પૂર્વસંધ્યાએ સ્મૃતિસ્થાને શાંતિથી દર્શન-ભજન થઈ શકે તે માટે કેટલાક ભક્તો એક દિવસ અગાઉ હરિધામ પહોંચ્યા હતા. ઉપસ્થિત ભક્તોમાંથી કેટલાક આગેવાન હરિભક્તોએ હરિધામ પરંપરાના ગાદીપતિ બાબતે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. જેને વડીલ સંતો-હરિભક્તોની ઉપસ્થિતિમાં સાંભળવામાં આવી હતી.

 વધુમાં પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીએ જણાવ્યુ હતુ કે, હરિપ્રસાદ સ્વામીજી મહારાજે ૫૦ વર્ષ પહેલાં યુગકાર્યની શરૂઆત કરી હતી. તેથી સ્વાભાવિક રીતે જ દેશ-વિદેશમાં બહોળો ભક્ત સમુદાય છે. સ્વામીજીની આજ્ઞાથી સંતો વિવિધ વિસ્તારો-પ્રદેશો-દેશોમાં વિચરણમાં જતા હોવાથી ત્યાંના ભકતોને તેમના પ્રત્યે વિશિષ્ટ લાગણી હોય શકે છે. ભક્તો કોઇપણ પ્રસંગે એકત્ર થાય ત્યારે ઉચ્ચ સ્વરે ‘સ્વામિનારાયણ’ મહામંત્રની ધૂન કરીને કાર્યમાં પ્રભુની કૃપા માટે પ્રાર્થના કરે તે સંપ્રદાયની પ્રણાલિકા છે. એ પ્રમાણે ૨૫ સપ્ટેમ્બરે સાંજે પહેલાં સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કર્યા બાદ કેટલાક ભક્તોએ વડીલો પાસે પોતાની વાત મૂકવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.આ ભક્તોએ રજૂ કરેલી લાગણી વડીલ સંતોએ શાંતિથી સાંભળી છે. હરિધામ પરંપરાના સૂત્રધારનો ર્નિણય હરિપ્રસાદ સ્વામીજી મહારાજે જીવનપર્યંત આપેલા આત્મીયતા તેમજ સંપ, સુહૃદભાવ, એકતા અને દાસત્વના ઉપદેશને દ્રષ્ટિમાં રાખીને જ કરવામાં આવશે તે સ્પષ્ટ છે. પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં દિવ્ય અસ્થિને સ્વામિનારાયણ પરંપરાનાં પ્રાસાદિક સ્થળો ગઢડા, ગોંડલ, ચાણોદ, જુનાગઢ તેમજ હરિદ્વાર-ઋષિકેશ ખાતે વિસર્જિત કરવામાં આવનાર છે.

તમામ ભક્તોને આ દિવ્ય પ્રસંગનો સારી રીતે લાભ મળે તે પ્રકારનાં આયોજન માટે વિચાર વિમર્શ કરવાના હેતુથી આજે સાંજે કાર્યકર્તાઓની એક બેઠક રાખવામાં આવી હતી.પરંતુ ભારે વરસાદની આગાહીને કારણે આ બેઠક મુલતવી રાખવામાં આવી છે. હરિધામના સૂત્રધારની વરણીનો કોઈ જ કાર્યક્રમ રાખવામાં આવ્યો નહોતો. તેવું આ નિવેદનના અંતમાં જણાવવામાં આવ્યું હતુ.

હરિપ્રસાદ સ્વામીજીના દ્વિમાસિક સ્મૃતિદિનની ઉજવણી

આસોજ અને હરિધામમાં સ્મૃતિ મંદિરોના નિર્માણનો સંકલ્પ

યોગી ડિવાઈન સોસાયટીના હરિપ્રસાદ સ્વામી મહારાજના દ્વિમાસિક સ્મૃતિદિનની હરિધામ સોખડા ખાતે ભક્તિભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. પ.પૂ.સ્વામીજીના અંત્યેષ્ટિ સંસ્કાર જ્યાં થયા હતા તે સ્થાને સંતો-ભક્તોએ ભજન-પ્રાર્થના કર્યા હતા. આ પ્રસંગે આશીર્વચન આપતા પૂ. પ્રેમસ્વરૂપ સ્વામીજીએ કહ્યું કે, સ્વામીજીએ આપણને સૌને પ્રભુના સંબંધની દૃષ્ટિથી જાેતાં શીખવ્યું, ભક્તોનો અપરંપાર મહિમા સમજાવ્યો. એમના આત્મીયતાના સંદેશનું એ હાર્દ છે. ભગવાન સ્વામીનારાયણની રીતેરીત રાખીને કોઈના ય અભાવ-અવગુણ ન લઈએ એ તેઓની અનુવૃત્તિ રહી છે. પૂ.પ્રેમસ્વરૂપ સ્વામીજીએ આત્મીય સ્મૃતિતીર્થ પર બેનમૂન મંદિર બનાવીને ગુરુભક્તિનો અર્ધ્ય અર્પણ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત પ્રાગટયસ્થાન આસોજમાં પણ ભવ્ય મંદિર બનાવવાનું છે. આપણા પ્રાણધાર પ.પૂ. સ્વામીજીની સ્મૃતિમાં ભક્તિભીના થવાનો દિવસ છે. આસોજ અને હરિધામમાં નિર્માણ પામનાર સ્મૃતિ મંદિરની સેવા મળી તેને જીવનની ધન્યતા ગણાવી હતી. આ સેવામાં સહુને ઉમંગભેર નિમિત્ત બનવા તેમણે અનુરોધ કર્યો હતો.