દિલ્હી-

વિશ્વમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા બે કરોડને પાર પહોંચી ગઈ છે. ભારતમાં છેલ્લા થોડા દિવસમાં દુનિયાના કોઈ પણ અન્ય દેશની તુલનામાં સૌથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે અને અત્યારે સ્થિતિ એવી છે કે દેશમાં દરરોજ 60 હજારથી વધુ કેસ મળી રહ્યા છે.

વર્લ્ડોમીટર અનુસાર વિશ્ર્વમાં કોરોના દર્દીઓનો કુલ આંકડો વધીને 20,023,016 થઈ ગયો છે. અત્યાર સુધી કુલ મોત 733,973 થઈ છે. વૈશ્ર્વિક સ્તરે પાછલા 24 કલાકમાં અંદાજે ત્રણ લાખ નવા કેસ સામે આવ્યા છે. જો કે રાહતની વાત એ છે કે બીમારીથી સાજા થનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. અત્યાર સુધી દેશમાં 12,897,813 લોકો સાજા થઈ ચૂક્યા છે.દુનિયામાં સૌથી વધુ કેસ અમેરિકામાં છે. અમેરિકામાં અત્યાર સુધી 5,199,444 લોકો કોરોના પોઝિટીવ આવી ચૂક્યા છે જેમાંથી 2,664,701 લોકો સાજા થઈ ચૂક્યા છે. આ ઉપરાંત 2,369,126 લોકોની સારવાર ચાલી રહી છે. સૌથી વધુ મોતના મામલામાં પણ અમેરિકા મોખરે છે. અહીં અત્યાર સુધીમાં 165,617 લોકો વાયરસની ઝપટમાં આવીને જીવ ગુમાવી ચૂક્યા છે. 

સૌથી વધુ સંખ્યાના મામલામાં બીજા નંબરે બ્રાઝીલ છે જ્યાં 3,035,582 કુલ કેસ છે તેમાંથી 2,118,460 સાજા થઈ ચૂક્યા છે જ્યારે 815,986 લોકોની સારવાર ચાલી રહી છે. દેશમાં કુલ 101,136 લોકોના મોત થયા છે. જ્યારે ત્રીજા નંબરે ભારત છે જ્યાં કુલ કેસની સંખ્યા 22,14,137 છે. ભારતમાં અત્યાર સુધીમાં 44466 લોકોના મોત નિપજ્યા છે.દેશમાં જેટલી ઝડપથી કોરોના વાયરસના નવા કેસ મળી રહ્યા છે એ દૃષ્ટિએ દર્દીઓ સાજા પણ ઝડપથી થઈ રહ્યા છે. ભારતમાં અત્યાર સુધી કુલ કેસમાંથી 15,34,278 લોકો સાજા થઈ ચૂક્યા છે. આ ઉપરાંત 635,393 લોકોની સારવાર ચાલી રહી છે.