વડોદરા, તા.૧૧ 

વડોદરા શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે આજે વધુ ૯ દર્દીઓના મોત થયાં હતાં તેમજ ૭૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા ૨૯૯૪ પર પહોંચી હતી. તદ્‌ઉપરાંત હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી ૩૧ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અલગ અલગ શહેરી વિસ્તારો તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી ૫૦૨ સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાં ૭૨ પોઝિટિવ, ૪૩૦ નેગેટિવ કેસો નોંધાયા હતા. તદ્‌ઉપરાંત હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ૮૦૬ કેસો પૈકી ૬૨૯ કેસ સ્ટેબલ, ૧૪૦ ઓક્સિજન પર અને ૩૭ વેન્ટિલેટર પર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. આજે શહેરના વડસર, વાઘોડિયા રોડ, આજવા રોડ, છાણી, ગોત્રી, સુભાનપુરા, હાથીખાના, તાંદલજા, માંડવી, કારેલીબાગ, માંજલપુર, મકરપુરા, અટલાદરા, નિઝામપુરા, યાકુતપુરા, ગેંડીગેટ, સમા, નાગરવાડા સહિત ગ્રામ્યમાં સાવલી, ડભોઈ, બીલ, બાજવા, ભાયલી રોડ, પાદરા ખાતેથી સેમ્પલો લેવામાં આવ્યા હતા.

વડોદરા જિલ્લાના પાદરાના પધરાઈ માતા પાસે રહેતા ૭૭ વર્ષીય સોની કોરોના સંક્રમિત થતાં તેમને વડીવાડી સામે આવેલ ખાનગી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરાતાં તેમનો રિપોર્ટ કરાવતાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમને સારવાર દરમિયાન શ્વાસ લેવાની તકલીફ થતાં તે બાદ તેમનું મોત નીપજ્યું હતું. તદ્‌ઉપરાંત પાદરાના જ જાણીતા શ્રોફનું પણ કોરોનાને કારણે મોત નીપજ્યું હતું. શહેરના ગોત્રી વિસ્તારના અર્પિતાનગરમાં રહેતાં ૭૭ વર્ષીય વૃદ્ધા એકલવાયું જીવન ગુજારી રહ્યાં હતાં. તેઓ હૃદય, કિડનીની બીમારીથી પીડાતાં હતાં. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતાં જ્યાં તેઓને રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે સવારે મોત નીપજ્યું હતું. સાવલી તાલુકાના ખાખરિયા ગામે રહેતા ૪૭ વર્ષીય વ્યક્તિ કોરોનાના લક્ષણો સાથે વાઘોડિયા રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલમાં ગત તા.ર૮મીના રોજ દાખલ કરાતાં તે જ દિવસે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ગઈકાલે મોડી રાત્રે તેમનું મોત થયું હતું. ડભોઈ મહુડી ભાગોળમાં રહેતા ૫૪ વર્ષીય વ્યક્તિ કોરોના સંક્રમિત થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ભરૂચના કોસંબીની હવેલી ફળિયામાં રહેતા ૬૪ વર્ષીય વૃદ્ધ કોરોનાના લક્ષણો સાથે કોવિડ-૧૯ની હોસ્પિટલમાં દાખલ કરાતાં તેમનું સારવાર વેળા મોત નીપજ્યું હતું.  

આણંદના ૪૪ વર્ષીય વ્યક્તિ કોરોનાની બીમારીમાં સપડાતાં તેમને વાઘોડિયા રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતાં જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. શહેરની નવી કોર્ટ પાછળ આવેલ માળી મહોલ્લામાં રહેતા ૫૪ વર્ષીય કોરોના સંક્રમિત થતાં તેમને સારવાર માટે કોવિડ-૧૯ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં તેમનું સારવાર દરમિયાન ગત મોડી રાત્રે મોત થયું હતું. ગોરવા ખાતે રહેતા પ૦ વર્ષીય આધેડ મહિલાને તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો જણાતાં તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં જે બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં આજે વહેલી સવારે મોત નીપજ્યું હતું. જંબુસર ખાતે રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધાને કોરોના જેવા લક્ષણો જણાતાં સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં તબીબો દ્વારા સઘન સારવાર હાથ ધરી હતી. 

સુમનદીપ વિદ્યાપીઠના ટ્રસ્ટી તબીબ કોરોનાની ઝપેટમાં આવતાં હોસ્પિટલમાં

વડોદરા. વાઘોડિયા રોડ પર આવેલ નામાંકિત સુમનદીપ વિદ્યાપીઠના ટ્રસ્ટી તેમજ દાંતના તબીબ કોરોના સંક્રમિત થતાં તેમને પોતાની જ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયા હોવાનું જાણવા મળેલ છે. સુમનદીપના ટ્રસ્ટને તબીબને કોરોના પોઝિટિવ આવતાં તેમની ઓફિસ સહિત વિદ્યાપીઠ કેમ્પસમાં સેનિટાઈઝેશન કરવામાં આવ્યું હતું.