આણંદ : આણંદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ફરી આરટી-પીસીઆર ટેસ્ટ બંધ કરાતાં કોરોના પોઝિટિવના કેસમાં ઘટાડો જાેવા મળી રહ્યો હોવાની ચર્ચા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી આણંદ જિલ્લામાં નવાં પોઝિટિવ કેસનો આંકડો ડબલ ફિગરથી નીચે આવી રહ્યો હોવાનું જાેવા મળે છે. રવિવારથી જાેવામાં આવે તો રવિવારે ૮ કેસ, સોમવારે ૯ કેસ અને મંગળવારે ફરી ૮ કેસ સરકારી ચોપડે નોંધાયા હતાં! 

સૂત્રોનું કહેવું છે કે, આણંદ જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસમાં ઘટાડો જાેવા મળી રહ્યો હોવા પાછળ આરોગ્ય વિભાગ દ્વારા ફરી આરટી-પીસીઆર ટેસ્ટ બંધ કરાયાં છે. જાે ફરી આરટી-પીસીઆરટેસ્ટનું પ્રમાણ વધારી દેવામાં આવે તો કોરોનાના કેસોમાં એક ઝાટકે ઉછાળો આવે તેવી શક્યતાઓ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દિવાળીના તહેવારો પછી આણંદ જિલ્લામાં કોરોનાના કેસોમાં રોકેટગતિએ ઉછાળો આવ્યો હતો. આણંદ જિલ્લામાં આરોગ્ય વિભાગે દર પીએચસી સેન્ટર દ્વારા દરરોજ ૧૦ રેપીડ અને ૧૦ આરટી-પીસીઆરટેસ્ટ કરાવવામાં આવતાં હતાં. પરિણામે દરરોજ ૨૦થી વધુ કોરોના પોઝિટિવ કેસો ચોપડે નોંદાવવા માંડ્યાં હતાં. હવે એવું કહેવાય છે કે, છેલ્લાં એક અઠવાડિયાથી આરોગ્ય વિભાગ દ્વારા આરટી-પીસીઆર ટેસ્ટ કરવાના બંધ કરી દેવામાં આવ્યા છે. પરિણામે છેલ્લાં ત્રણ દિવસમાં નવાં કોરોના પોઝિટિવ કેસમનો આંકડો ડબલ ફિગરમાં પણ પહોંચી શક્યો નથી!

હાલમાં ફક્ત રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આંકડાઓ જાેઈને એવું માનવામાં આવતું હોય કે, જિલ્લામાં કોરોનાના કેસમાં કંટ્રોલ આવી ગયો છે તો એ ભૂલ ભરેલું ઘણાશે. જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હજી પણ યથાવત જ છે. દરરોજ કોરોનાના દર્દીઓ નોંધાઈ રહ્યાં છે. હાં, સંખ્યામાં આવેલાં અચાનક ઘટાડા પાછળ ટેસ્ટિંગ ઘટાડી દેવામાં આવ્યું હોવાનું મુખ્ય કારણ છે, એવી ચર્ચા છે. આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના આંકડાઓ મુજબ, જિલ્લામાં સોમવાર કે મોડામાં મોડા મંગળવાર સુધીમાં ૧,૩૯,૩૯૮ દર્દીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી ૧૯૯૮ દર્દીઓ પોઝિટિવ આવ્યાં હતાં, જ્યારે ૧,૩૭,૪૦૦ દર્દીઓ નેગેટિવ નોંધાયા હતાં. અત્યાર સુધીમાં ૧૮૭૩ દર્દીઓ સ્વસ્થ થતાં તેઓને ડિસ્ચાર્જ કરાયાં હતાં. જિલ્લામાં કોરોનાથી ૧૬ દર્દીનાં મોત થઈ ચૂક્યાં છે. જિલ્લામાં ૧૦૯ એક્ટિવ કેસ છે. ૧૦૦ની હાલત સ્થિર છે, જ્યારે ૯ દર્દીને ઓક્સિજન પર રાખવામાં આવ્યાં છે. બધાની સારવાર ચાલી રહી છે.

નગરજનોમાં પૂછાતો એક માત્ર પ્રશ્ન - વારંવાર ટેસ્ટ વધારવા અને ઘટાડવા પાછળનું કારણ શું?

વારંવાર કોરોના માટે થતાં ટેસ્ટને ક્યારેક અચાનક વધારી દેવામાં આવે છે તો ક્યારેક અચાનક ઘટાડી દેવામાં આવે છે. કોરોનાની મહામારી આવી છે ત્યારથી ખેલાતી આ રમત પાછળનો હેતુ શું છે, એ પ્રજા સમજી શકી નથી. અગાઉ પણ કોરોના પોઝિટિવ કેસના આંકડાઓને લઈને રાજ્યમાં અનેક વખત સવાલો ઊઠ્યાં છે. કોરોના કાબૂમાં કરવાને બદલે ટેસ્ટને કાબૂમાં કરીને સરકારી તંત્ર શું સિદ્ધ કરવા માગે છે, એ લોકોને સમજાતું નથી!