અમદાવાદ-

કોરોનાના કહેર વચ્ચે બાળકોની રસી અંગે એક સારા સમાચાર આવ્યા છે. કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ બાળકોની વેક્સિન અંગે મહત્ત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે, બાળકો માટે બનાવવામાં આવી રહેલી કોરોનાની રસી ખૂબ જ ઝડપથી ઉપલબ્ધ થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે, ઝાયડસ કેડિલા અને ભારત બાયોટેક દ્વારા બાળકો માટે બનાવવામાં આવેલી વેક્સિન અંગે શોધના પરિણામ આગલા મહિનામાં આવી જશે. કેન્દ્ર સરકાર કોરોના વાઈરસ સામે દેશના પ્રત્યેક નાગરિકનું રસીકરણ કરવા માટે પ્રતિબદ્ધ છે. કેન્દ્રિય આરોગ્યમંત્રી ભાજપની જન આશીર્વાદ યાત્રામાં સામેલ થવા રાજકોટ પહોંચ્યા હતા. અહીં તેમણે જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ દરેક નાગરિકનું કોરોના રસીકરણ કરવાનો છે. ભારત સરકાર પહેલા જ ઝાયડસ કેડિલા અને ભારત બાયોટેકને બાળકો માટે કોરોનાની રસી બનાવવા માટે અનુસંધાન કરવાની મંજૂરી આપી ચૂકી છે. અમને આશા છે કે, તેમની શોધના પરિણામ આગામી મહિનામાં આવી જશે. મને વિશ્વાસ છે કે, બાળકો માટે રસી ટૂંક જ સમયમાં ઉપલબ્ધ થશે.