આણંદ, તા.૨૩ 

કોરોના મુક્ત થવા જઈ રહેલાં આણંદ જિલ્લા માટે અનલોક વન અનલક્કી સાબિત થયું છે. અનલોક નવ પછી આણંદમાં કોરોના પોઝિટિવના કેસમાં ઝડપી વધારો દેખાઈ રહ્યો છે. એકબાદ એક રોજે રોજ નવાં નવાં કેસ સામે આવી રહ્યાં છે. આજે આણંદ પાલિકા હદ વિસ્તારમાં એકસાથે કુલ ૫ કોરોનાના પોઝિટિવ કેસ મળી આવતાં હડકંપ મચી જવા પામ્યો છે. શહેરના ઈસ્માઈલનગર, સલાટીયા અને પ્રશાનગર તરફ કુલ ૪ કેસ અને બાકરોલમાં એક કેસ મળી કુલ ૫ નવાં કેસ નોંધાતા ફપડાટ વ્યાપી ગયો છે. તમામ દર્દીઓને વડોદરા અને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં આઇસોલેટ કરીને સારવાર કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ, આણંદની ગુલશન સોસાયટીમાં રહેતાં ૬૨ વર્ષના પુરુષ, સિસ્વા-મોગરી ટાઉનશીપમાં રહેતાં ૫૦ વર્ષના પુરુષ, સલાટીયા રોડ ઉપર આવેલાં હાજરા પાર્કમાં રહેતાં ૬૦ વર્ષના પુરુષ, ઈસ્માઈલનગરમાં જૈનબ પાર્કમાં રહેતાં ૫૮ વર્ષના પુરુષનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ સાથે બાકરોલ કોલોનીમાં રહેતાં ૪૬વર્ષનાં મહિલાનો પણ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં ફફડાટ મચી ગયો છે.

સૂત્રોનું કહેવું છે કે, આણંદ શહેર અને તેની નજીક બાકરોલ સહિત એકત જ દિવસે પાંચ રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. પાલિકા અને વહિવટી તંત્ર દ્વારા સંબંધિત વિસ્તારોને સેનિટાઇઝ કરીને ડોર ટુ ડોર સરવે કરવામાં આવી રહ્યો છે. દર્દીના નજીકના સંબંધીઓ અને પરિવારજનોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જરૂર લાગશે તેનાં સેમ્પલ પણ લેવામાં આવશે.

સૂત્રોના જણાવ્યાં મુજબ, વહિવટી તંત્ર દ્વારા આ તમામ વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે. આણંદ શહેર માટે અનલોક વન મોંઘું સાબિત થઈ રહ્યું છે. રોજેરોજ કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે.