બનાસકાંઠા : કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે રાજ્ય સહિત દેશના તમામ સેક્ટરમાં મંદી જોવા મળી રહી છે. દરેક માણસ હાલ વિપરિત સ્થિતિનો સામનો કરી રહ્યો છે. તેવામાં પશુઓની સ્થિતિ પણ કફોડી બની ગઇ છે. ગૌશાળામાં રહેલી ગાયોનાં ચારાની મોટી સમસ્યા પેદા થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મંદીના કારણે ગૌશાળાઓને મળતું દાન પણ આવતું અટકી ગયું છે. જેના કારણે ગૌશાળા સંચાલકોની સ્થિતિ ખુબ જ વિપરિત થઇ છે. રાજ્ય સરકાર દ્વારા પણ કોઇ મદદની તૈયારી દર્શાવવામાં નહી આવી રહી હોવાનાં કારણે સંચાલકોની સ્થિતિ કફોડી બની ગઇ છે. જેના કારણે હાલ ગૌશાળાનાં સંચાલકો દ્વારા પણ આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. બનાસકાંઠામાં ગૌશાળા અને પાંજરાપોળની ગાયો સરકારી કચેરીઓમાં છોડીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ કરી દીધું છે. ગુરૂવારના રોજ દિયોદરના ચિભડા ગામે આવેલી નકલંગ ગૌશાળાની ગાયોને છોડી મુકવામાં આવી હતી. નકલંગ ગૌશાળાની ગાયોને ગામની ચિભડા ગ્રામપંચાયતમાં છોડી મુકવામાં આવી હતી. આવનાર દિવસોમાં જિલ્લાના તમામ ગૌશાળાઓના પશુઓ જિલ્લા મથકની કચેરીઓમાં છોડી મુકવાની ગૌશાળાના સંચાલકો દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી છે. સરકાર દ્વારા હજુ પાંજરાપોળ સંચાલકોની માંગ નથી સ્વીકારતા ગૌશાળાના સંચાલકોએ આંદોલન ચાલુ કર્યું છે. જિલ્લાની અનેક ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા વારાફરતી ગાયો છોડી મુકાઈ રહી છે. સરકાર જ્યાં સુધી પાંજરાપોળની ગાયોના નિભાવ માટે નક્કી કરેલી રકમ નહિ આપે ત્યાં સુધી આજ રીતે ગાયો છોડવાની સંચાલકોએ ચીમકી ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગૌશાળા સંચાલકો રાજ્ય સરકાર પાસે રાહત પેકેજની પણ માંગ કરી રહ્યા છે.