દિલ્હી-

રાજસ્થાનના બારાં જિલ્લાના છબડામાં બે જ્ઞાતિ વચ્ચે અથડામણ થતાં સ્થિતિ વણસી હતી. સ્થિતિ વધુ વણસે નહીં તે માટે કર્ફયુ લાગુ કરી દેવાયા બાદ ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. સામાન્ય તું તું મેં મેં દરમિયાન છરીઓ ઉડતાં ક્ષણભરમાં માહોલ બગડી ગયો હતો.

બન્ને બાજુથી જોરદાર પથ્થરમારો થયાનું પણ જાણવા મળી રહ્યું છે. તોફાન બાદ અનેક દુકાનોમાં આગ ચાંપી દેવામાં આવી હતી તો મોટી સંખ્યામાં વાહનો સળગાવી દેવાયા હતા. એક જ્ઞાતિના લોકોએ બીજી જ્ઞાતિના ઘર અને દુકાનોમાં લૂંટફાટ શરૂકરી દીધી હતી. તોફાનીઓને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને વીજસેવા બંધ કરી દેવાઈ હતી. તંત્રએ અહીં કલમ-144 લાગુ કરી દીધી છે.

પોલીસના જણાવ્યા અનુસાર વિવાદની શરૂઆત સામાન્ય મુદ્દે થઈ હતી. અહીં એક દુકાનમાં કમલસિંહ નામનો વ્યક્તિ ફળ ખરીદી રહ્યો હતો. કમલસિંહની કોઈ વાતને લઈને આબીદ અને સમીર સાથે ચકમક શરૂ થઈ હતી. આ દરમિયાન બન્નેએ કમલસિંહ પર છરી વડે હુમલો કર્યો હતો. કમલને બચાવવા માટે ઘટનાસ્થળે રહેલા રાકેશ નાગર સહિત અન્ય લોકો દોડી આવ્યા હતા. આબીદ અને સમીરે તેના ઉપર પણ હુમલો કરી દીધો હતો

જેથી કમલસિંહ અને રાકેશ નાગરને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાયા હતા. ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ આરોપીઓને પકડવાની માંગને લઈને પોલીસ સ્ટેશને ધરણા શરૂ કરી દીધા હતા ત્યારબાદ પોલીસે આબીદ, સમીર અને તેના સાથી ફરીદને પકડી પાડ્યા હતા. આ વાતને લઈને બે જ્ઞાતિ વચ્ચે વિવાદ શરૂ થયો અને જોતજોતામાં પથ્થરમારો શરૂ થઈ ગયો હતો.