અમદાવાદ-

વહેલી સવારે ઘરમાં પુજા કરી રહેલી મહિલાને ઘરમાં ઘંટડીઓ નહીં વગાડવાની તેમ કહીને પતિ, દિકરા અને દિકરીએ મારઝુડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મહિલા રડતી રડતી પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં તેણે તેના પતિ, દિકરો અને દિકરીના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

ઈસનપુરમાં રહેતી 45 વર્ષીય મહિલા લોકોના ઘરે રસોઈ કરવાનું કામકાજ કરે છે. મહિલાના સંતાનમાં 25 વર્ષીય દિકરો અને 24 વર્ષની એક દીકરી છે. સવારે મહિલા ઘરમાં પૂજા-પાઠ કરતી હતી ત્યારે તેના પતિએ ઘરમાં ઘંટડી નહીં વગાડવાની તેમ કહીને ગાળો બોલતો હોય મહિલાએ શાંત રહેવાનું જણાવ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા પતિએ તે મારા પર ભરણ પોષણ અને ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો છે તે પરત ખેંચી લે તેમ જણાવ્યું હતું. મહિલાએ કેસ પાછો નહીં ખેંચવા નું કીધુ હતુ. જેથી મહિલાની દિકરી, દિકરો અને પતિ ત્રણેય ઉશ્કેરાઈને મારઝુડ કરવા લાગ્યા હતા. એટલું જ નહીં જાનથી મારી નાખવાની ધમકી પણ આપવા લાગ્યા હતા. જેથી મહિલા રડતી રડતી ઘરની બહાર નીકળી ગઈ હતી ત્યારબાદ પોલીસ સ્ટેશન પહોંચી તેના પતિ, દિકરો અને દિકરીના વિરુદ્ધમાં ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.