ગઢવા-

ઝારખંડમાં આજદીન સુધીમાં થયેલા સૌથી મોટા સાયબર અપરાધો પૈકીના એકમાં સાયબર અપરાધીઓએ ખાતામાંથી 10 કરોડ રૂપિયા ઓળવી લીધા છે. પ્રારંભિક માહિતી મુજબ, આ નાણાં જમીન સંપાદન હેતુ માટે જમીનધારકોને ચૂકવવા માટે સરકારી ખાતામાં ફાળવવામાં આવ્યા હતા. 

અહીંના ખરૌંધી પોલીસથાણા ક્ષેત્રમાં નદી પાસેની જમીનમાં સરકાર દ્વારા હાથ ધરાનારા પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવાની હતી. આ માટેનો શિલાન્યાસ પણ 2014માં તત્કાલિન મંત્રી દ્વારા કરવામાં આવ્યો હતો. સરકારે આ કાર્યવાહી પૂરી કરી નાંખ્યા બાદ જમીનમાલિકોને નાણાં ચૂકવવા માટે તૈયારી કરી હતી અને થોડા કલાકો પહેલા ખાતામાં રકમની ફાળવણી પણ કરવામાં આવી હતી. પરંતુ હજી એ રકમ ઉપાડીને માલિકો સુધી પહોંચાડાય એ પહેલા જ સાયબર ક્રાઈમમાં પહોંચેલા ગઠિયાઓએ આ રકમની ઉચાપત કરી લીધી હતી. અહીંના વિધાનસભ્ય ભાનુપ્રતાપે જ્યારે આ બાબતે સવાલ કર્યો ત્યારે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. અહીંના પલામુ ખાતેના સાંસદે પણ આ ગોટાળાની વાત માની છે અને તેમાં બેંક અધિકારી સહિતના લોકો સામેલ હોઈ શકે એમ કહીને તેની સીબીઆઈ તપાસ થઈ રહી છે એમ જણાવ્યું હતું. ગઢવાના ડીસી રાજેશ કુમાર પાઠકે જણાવ્યું હતું કે, આ સાયબર ક્રાઈમનો કેસ છે અને અમે એમાં તપાસ કરી રહ્યા છીએ.