અરવલ્લી : મોડાસા તાલુકાની ડુગરવાડા ગ્રામપંચાયતમાં સરપંચ તેમજ સભ્યો દ્વારા સત્તાનો દુરુપયોગ કરી કામ કરવામાં આવ્યું છે. નાણાંકીય ગેરરિતી પણ થઈ હોવાનું ફલિત થતાં સાથે પૂર્વ મંજૂરી વગર કામો કરી નાણાં ચુકવી દેવાના પગલે અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી ડો.અનીલ ધામેલીયાએ ડુગરવાડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ તેમજ સદસ્યોને નોટીસ પાઠવી તેમને હોદ્દા ઉપરથી દુર કેમ ન કરવા તે અંગે ખુલાસો આપવા જણાવ્યું હતું.જેમાં યોગ્ય ખુલાસા કરવામાં નિષ્ફળ રહેતા મહિલા સરપંચ ગીતાબેન મહેશભાઈ ભરવાડને સત્તાનો દુરઉપયોગ કર્યો અને ફરજોમાં બેદરકારી દાખવતા સરપંચપદેથી બરતરફ કરાયા છે. ડુગરવાડા ગામની ગ્રામપંચાયતમાં પણ આવો એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ગ્રામપંચાયતના સરપંચ તેમજ સદસ્યો દ્વારા વહીવટીય પૂર્વ મંજૂરી વગર જ કામો કરાવી દીધા હોવાની સાથે નાણાકીય ગેરરિતી અંગે પણ ડીડીઓ સમક્ષ આવ્યું હતું. તાંત્રિક મંજૂરી લીધા પહેલાં સાગવા ગામે કૂવો ઉંડો કરવાનું કામ પુરુ કર્યા પછી તાંત્રિક મંજૂરી લીધી હતી. ગુજરાત પંચાયત બાંધકામો અને વિકાસ યોજનાના નિયમો મુજબ સક્ષમ સત્તાધિકારીની જે સત્તા મર્યાદામાં તાંત્રિક મંજૂરી અને વહીવટી મંજૂરી મેળવીને જ પછી કામગીરી હાથ ધરવાની હોવાના નિયમો હોવા છતાં આ નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું અને મનસ્વીપણે કામ કરાવી ૧,૪૨,૦૦૦નો ખર્ચ કરી દેવામાં આવ્યો હતો સહિતના કેટલાય કામોમાં મનસ્વીપણે કામ કરાવવા, તંત્રની મંજૂરી ન લેવી તેમજ નાણાંકીય ગેરરિતી પણ ડુગરવાડા ગ્રામપંચાયતમાં થઈ હોવાનું તંત્રને ધ્યાને આવતાં જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ડુગરવાડાના સરપંચને ખુલાસો કરવા માટે નોટીસ આપવામાં આવી હતી. જેમાં સરપંચ ગીતાબેન મહેશભાઈ ભરવાડ યોગ્ય ખુલાસા કરવામાં નિષ્ફ્ળ રહેતા જિલ્લા વિકાસ અધિકારી ડો.અનીલ ધામેલીયાએ ગુજરાત પંચાયત અધિનયમ ૧૯૯૩ની કલમ ૫૫ મુજબ હોદ્દા પરથી બરતરફ કરવામાં આવ્યા હતા.