ભરૂચ, મુસ્લિમ સમાજનાં આદર્શ અને પ્રેરણારૂપ સૂફી સંત એવાં ખ્વાજા ગરીબ નવાઝની શાનમાં ગુસ્તાખી કરનાર એક અધર્મી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ભરૂચ જીલ્લા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રાજયપાલને સંબોધીને ભરૂચ જીલ્લા કલેકટર સમક્ષ લેખિત રજૂઆત કરવાની સાથે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. 

આ આવેદનપત્રમાં કરવામાં આવેલી રજૂઆત અનુસાર ભારતમાં હિન્દુ, મુસ્લિમ, શીખ વગેરે ધર્મનાં લોકો ખ્વાજા ગરીબ નવાઝનાં ધર્મસ્થાનમાં જઇ ધાર્મિક આસ્થાઓ પૂર્ણ કરતાં હોય છે. તેવા મહાન સૂફી સંત વિરુદ્ધ એક સાધુ જેવા અધર્મીએ હઝરત ખ્વાજા ગરીબ નવાજની શાનમાં અભદ્ર વાણી વિલાસ તથા અભદ્ર પ્રકારની ટિપ્પણી કરીને મુસ્લિમ સમાજની લાગણી અને ધાર્મિક ભાવનાને પણ ઠેસ પહોંચાડી છે. અભદ્ર વાણી-વિલાસ આચરી ભારતની કોમી એકતા સામે ખતરો ઉભો કરનાર આવા તત્વો સામે કાયદેસર ગુનો નોંધી તાત્કાલિક ધોરણે કાયદેસરનાં પગલાં ભરવામાં આવે તેવી સમસ્ત મુસ્લીમ સમાજ તરફથી લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે શહેર-જિલ્લાની વિવિધ મુસ્લીમ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગુસ્તાખી કરવા બદલ પોતાનો વિરોધ જાહેર કર્યો હતો.